<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ઈરાનમાં ઈઝરાયેલનું 'ટાર્ગેટ કિલિંગ' ઓપરેશન: અલી લારીજાનીની હત્યાથી ચીન લાલઘૂમ, નેતન્યાહૂની કાર્યવાહીને ગણાવી 'સંપૂર્ણપણે અસ્વીકાર્ય'

સુરક્ષા વડા સહિત ત્રણ ટોચના ઈરાની અધિકારીઓના ખાતમા બાદ ડ્રેગનનો પ્રથમ પ્રતિભાવ; મધ્ય પૂર્વના યુદ્ધમાં ચીન-અમેરિકાના સંબંધો વધુ જટિલ બન્યા - શું ટ્રમ્પની બેઇજિંગ મુલાકાત પર લાગશે બ્રેક?

બેઇજિંગ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે લોહિયાળ વળાંક પર પહોંચી ગયું છે. ઈઝરાયેલ દ્વારા ઈરાનના અતિ પ્રભાવશાળી નેતા અલી લારીજાની સહિત ત્રણ ટોચના અધિકારીઓની હત્યા કરવામાં આવતા વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના પર ચીને પોતાની પ્રથમ અને અત્યંત આકરી પ્રતિક્રિયા આપી છે. ચીનના વિદેશ મંત્રાલયે ઈઝરાયેલની આ કાર્યવાહીની કડક શબ્દોમાં નિંદા કરતા તેને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન અને "અસ્વીકાર્ય" ગણાવ્યું છે.

નેતન્યાહૂનો ખુલ્લેઆમ પડકાર: 'કોઈ મંજૂરીની જરૂર નથી'

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હાઈ-સેક્યુરિટી 'કિર્યા' કમાન્ડ સેન્ટરનો એક વીડિયો શેર કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. આ વીડિયોમાં તેઓ મોસાદ અને વાયુસેનાના વડાઓ સાથે બેસીને ઈરાની "આતંકવાદી સરદારો" - અલી લારીજાની અને ગુલામરેઝા સુલેમાની - ના ખાતમાનો આદેશ આપતા જોવા મળે છે. સંરક્ષણ પ્રધાન ઈઝરાયેલ કાત્ઝે પણ સ્પષ્ટ કર્યું છે કે IDF ને હવે કોઈપણ વરિષ્ઠ ઈરાની અધિકારીને ખતમ કરવા માટે વધારાની મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં.

ચીનનું કડક વલણ: શું યુદ્ધમાં સીધી એન્ટ્રી થશે?

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, "અમે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં બળના ઉપયોગના વિરોધી છીએ. નેતાઓની આ પ્રકારે હત્યા કરવી તે અરાજકતા ફેલાવવાનું કૃત્ય છે." ઉલ્લેખનીય છે કે, ચીન પર ઈરાનને ગુપ્ત રીતે સેટેલાઇટ ટેકનોલોજી પૂરી પાડવાનો પણ આરોપ છે. આ સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પની આગામી બેઇજિંગ મુલાકાત પર જોખમ તોળાઈ રહ્યું છે, કારણ કે અમેરિકા ઈચ્છે છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં ચીન તેની મદદ કરે.

ઈરાનમાં સન્નાટો અને આક્રોશ

માત્ર એક જ અઠવાડિયામાં ઈરાને તેના ત્રણ રત્નો - સુરક્ષા વડા અલી લારીજાની, બાસીજ દળોના વડા ગુલામરેઝા સુલેમાની અને ગુપ્તચર મંત્રી ઇસ્માઇલ ખાતીબ - ગુમાવ્યા છે. આ હુમલાઓ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા બાદના સૌથી મોટા ફટકા સમાન છે. ઈરાને હવે સંયુક્ત રાષ્ટ્ર (UN) સામે સવાલ ઉઠાવ્યો છે કે શું આંતરરાષ્ટ્રીય સંગઠનો આ પ્રકારે નેતાઓની ખુલ્લેઆમ હત્યા કરવાની છૂટ આપી રહ્યા છે?

વૈશ્વિક રાજકારણના નિષ્ણાતો માને છે કે જો ચીન ઈરાનના સમર્થનમાં ખુલ્લેઆમ આવશે, તો આ યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધમાં પરિવર્તિત થતા વાર નહીં લાગે.

(8:57 PM IST)