<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ભારત સાયબર ઠગોનું બીજું સૌથી મોટું ટાર્ગેટ

મેટાના રિપોર્ટ મુજબ સાયબર ગુનેગારોની સિન્‍ડિકેટ સૌથી પહેલા અમેરિકામાં અંગ્રેજી બોલતા યુઝર્સને નિશાન બનાવે છેઃ બીજા ક્રમે તેઓ ભારતીયોને ટાર્ગેટ કરે છે : મેટાએ ઈન્‍સ્‍ટાગ્રામ-ફેસબૂકના ૧.૦૯ કરોડ એકાઉન્‍ટ, ૬ લાખ વેબ પેજ, ૧.૧૨ લાખ જાહેરાતના એકાઉન્‍ટ્‍સ સસ્‍પેન્‍ડ કર્યા

નવી દિલ્‍હી તા.૨૦: ભારત હવે દુનિયામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડ કરનારી ગેંગ્‍સનું બીજું સૌથી મોટું ટાર્ગેટ છે. અમેરિકામાં અંગ્રેજી બોલતા યુઝર્સ પછી ભારત બીજા ક્રમે છે તેમ ફેસબૂક અને ઈન્‍સ્‍ટાગ્રામની પેરેન્‍ટ કંપની મેટાએ એક નવા રિપોર્ટમાં ઘટસ્‍ફોટ કર્યો છે. આ સાથે મેટાએ ઈન્‍સ્‍ટાગ્રામ અને ફેસબૂકના ૧.૦૯ કરોડ એકાઉન્‍ટ, ૬ લાખ વેબ પેજ અને ૧.૧૨ લાખ જાહેરાતના એકાઉન્‍ટ્‍સ સસ્‍પેન્‍ડ કરી દીધા છે.

મેટાના વિપરિત જોખમો અંગેના અર્ધવાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે સાયબર ગુનેગારો હવે સામાન્‍ય ગુનેગારો નથી રહ્યા. તેઓ નકલી એકાઉન્‍ટ્‍સ બનાવે છે, જેમાં સંપૂર્ણ બેકસ્‍ટોરી, અસલી જેવા પ્રોફાઈલ ફોટો, વીડિયો અને ત્‍યાં સુધી કે સાંસ્‍કૃતિક રીતે એકદમ ફીટ વાતચીત થાય છે. આ સંદેશા એટલા પર્સનલાઈઝ્‍ડ હોય છે કે વાંચનારને લાગે છે કે આ તો મારા માટે જ લખાયું છે.

મેટાના રિપોર્ટ મુજબ સાયબર ગુનેગારોની સિન્‍ડિકેટ સૌથી પહેલા અમેરિકામાં અંગ્રેજી બોલતા યુઝર્સને નિશાન બનાવે છે. બીજા ક્રમે તેઓ ભારતીયોને ટાર્ગેટ કરે છે. ત્‍યાર પછી મેન્‍ડેરિન બોલતા ચીન, તાઈવાન, હોંગકોંગ, સિગાપુર અને જાપાન-દક્ષિણ કોરિયાના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. મેટાએ તાજેતરમાં જ એક પાકિસ્‍તાન સ્‍થિત સાયબર ગુનેગારોની સિન્‍ડિકેટને પકડી હતી, જે માત્ર ભારતને જ ટાર્ગેટ કરતી હતી. આ ગેંગ ઓફ-પ્‍લેટફોર્મ વેબસાઈટ પર ચાલતી હતી અને એઆઈની મદદથી અલગ અલગ ભાષાઓમાં કન્‍ટેન્‍ટ બનાવતી હતી. આ રિપોર્ટ મુજબ સાયબર ગુનેગારો હવે તાલિમ, સ્‍પેશિયલાઈઝેશન અને સુરક્ષા સાથે બિઝનેસની જેમ કામ કરે છે.

વધુમાં એઆઈની મદદથી સાયબર ઠગ એટલા સ્‍માર્ટ થઈ ગયા છે કે તમારા એકદમ નજીકના મિત્ર સમાન લાગે છે. આથી મેટાએ યુઝર્સને અજાણી લિક નહીં ખોલવા અને કોઈને નાણાં નહીં મોકલવા તથા કોઈ ખૂબ જ સારી ઓફર આવે તો બે વખત વિચારવા સૂચન કર્યું હતું.

મેટાએ જણાવ્‍યું કે, આ વર્ષે તેણે ફ્રોડ અને સ્‍કેમ વિરુદ્ધ ૧.૦૯ કરોડ ફેસબૂક અને ઈન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ્‍સ, ૬ લાખ પેજ અને ૧.૧૨ લાખ જાહેરાતના એકાઉન્‍ટ્‍સ હટાવી દીધા હતા. આ સાથે આવા કેસોમાં અંદાજે ૨૧ લોકોને જેલમાં પણ ધકેલી દેવાયા છે. આ સિવાય ડ્રગ્‍સ કાર્ટેલ અને દાણચોરીવાળી ગેંગ પણ આ પ્‍લેટફોર્મ્‍સનો ઉપયોગ ભરતી, બ્‍લેકમેલ અને પ્રચાર માટે કરતી હોવાનું મેટાના ધ્‍યાનામાં આવ્‍યું હતું. મેટાએ કંબોડિયા, મ્‍યાંમાર અને લાઓસમાં ચાલી રહેલા મોટા સ્‍કેમ સેન્‍ટરો સાથે સંકળાયેલા અનેક એકાઉન્‍ટ્‍સને હટાવવાની કામગીરી પણ કરી છે.

(10:02 AM IST)