ઈરાન અને લેબનોન બાદ હવે સીરિયા પર ઈઝરાયેલ તૂટી પડયું
ઈઝરાયેલની સીરિયામાં ઘૂસણખોરી અને કુવૈતની ઓઈલ રિફાઈનરી પર ઈરાનનો ડ્રોન હુમલો

તેલ અવીવ, તા.૨૦: મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે નિયંત્રણ બહાર જઈ રહ્યો હોય તેવું લાગે છે. ઈરાન અને લેબનોન સાથેના સીધા જંગ બાદ, ઈઝરાયેલી સંરક્ષણ દળો એ હવે સીરિયામાં ઘૂસણખોરી કરીને હુમલા તેજ કર્યા છે. દક્ષિણ સીરિયાના સુવાયદા વિસ્તારમાં ડ્રુઝ સમુદાય પર થયેલા હુમલાના જવાબમાં ઈઝરાયેલે સીરિયન શાસનના સૈન્ય મથકો અને કમાન્ડ હેડક્વાર્ટરને નિશાન બનાવ્યા છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ સંયુક્ત રીતે ઈરાનના પરમાણુ અને સૈન્ય મથકોને તોડી રહ્યા છે. સીરિયામાં ઈઝરાયેલનું આ આક્રમક વલણ દર્શાવે છે કે આ યુદ્ધ હવે માત્ર બે દેશો પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ સમગ્ર ક્ષેત્રને પોતાની લપેટમાં લઈ રહ્યું છે.
યુદ્ધની આ આગ હવે ખાડી દેશોની આર્થિક કરોડરજ્જુ સમાન તેલ અને ગેસ સુવિધાઓ સુધી પહોંચી ગઈ છે. ઈરાને વળતો પ્રહાર કરતા કુવૈતની મીના અલ-અહમદી રિફાઇનરી પર આત્મઘાતી ડ્રોનથી હુમલો કર્યો છે, જેના કારણે અનેક યુનિટોમાં ભીષણ આગ લાગી છે. એટલું જ નહીં, ઈઝરાયેલે ઈરાનના સૌથી મોટા પારસ ગેસ સાઈટ પર બોમ્બમારો કરીને ઈરાનના ઉર્જા ક્ષેત્રને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ઈરાનનો દાવો છે કે તેમનો બદલો હજુ અધૂરો છે અને તેઓ સાઉદી અરેબિયા તથા યુએઈ જેવા દેશોમાં આવેલી અમેરિકી સૈન્ય છાવણીઓ અને ગેસ ફિલ્ડ્સને પણ નિશાન બનાવી શકે છે. આ હુમલાઓને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
યુદ્ધના ૨૦મા દિવસે પણ શાંતિના કોઈ સંકેત દેખાતા નથી. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ એ સ્પષ્ટ કર્યું છે કે તેમની મિસાઈલ ફેક્ટરીઓ ચોવીસ કલાક કાર્યરત છે અને ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલોનો વરસાદ ચાલુ રહેશે. બીજી તરફ, ઈઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓનો સફાયો કર્યા બાદ હવે સીરિયામાં પોતાની પકડ મજબૂત કરી છે. જે રીતે ફિલ્મોમાં ગુપ્ત મિશન પાર પાડવામાં આવે છે, તે જ અંદાજમાં ઈઝરાયેલી કમાન્ડો સીરિયાની સરહદમાં ઘૂસીને વિનાશ વેરતા જોવા મળ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની અપીલો છતાં, અમેરિકાના સમર્થન સાથે ઈઝરાયેલ પાછળ હટવા તૈયાર નથી, જે સંકેત આપે છે કે આગામી દિવસોમાં આ સંઘર્ષ ત્રીજા વિશ્વયુદ્ધ જેવી ગંભીર સ્થિતિ પેદા કરી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
