હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગલ્ફ જનારા મુસાફરો માટે રાહતના સમાચાર: ઇન્ડિગોએ દુબઈની ઉડાન ફરી શરૂ કરી, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટ પણ એક્શન મોડમાં
પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે હવાઈ સેવાઓ ધીમે-ધીમે પાટા પર; એર ઇન્ડિયા આજે 48 ફ્લાઇટ્સ દોડાવશે, જ્યારે બહેરીનનું એરસ્પેસ હજુ પણ બંધ

નવી દિલ્હી | તા.20: પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તાજેતરના વિક્ષેપો અને તણાવપૂર્ણ સ્થિતિ બાદ હવે હવાઈ મુસાફરી ફરી સામાન્ય થઈ રહી હોય તેવું જણાય છે. ભારત અને ગલ્ફ દેશો વચ્ચે કાર્યરત અગ્રણી એરલાઇન્સ ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટે તેમની કામગીરી પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી છે. આ સમાચાર એવા હજારો ભારતીયો માટે મોટી રાહત સમાન છે જેઓ કામકાજ કે અન્ય કારણોસર ખાડી દેશોમાં અવરજવર કરે છે.
ઇન્ડિગોની દુબઈ સર્વિસ ફરી શરૂ
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ સત્તાવાર જાહેરાત કરી છે કે દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટીની લીલી ઝંડી મળ્યા બાદ દુબઈ જતી અને ત્યાંથી આવતી ફ્લાઇટ્સ ફરી શરૂ કરી દેવામાં આવી છે. એરલાઇને મુસાફરોને વિનંતી કરી છે કે એરપોર્ટ પર જવા નીકળતા પહેલા ઓનલાઇન ફ્લાઇટ સ્ટેટસ ચોક્કસ ચેક કરી લેવું, જેથી કોઈ અણધારી મુશ્કેલી ન સર્જાય.
એર ઇન્ડિયા અને સ્પાઇસજેટનો 'માસ્ટર પ્લાન'
એર ઇન્ડિયા અને તેની સહયોગી એર ઇન્ડિયા એક્સપ્રેસે આજે પશ્ચિમ એશિયાના રૂટ પર કુલ 48 શિડ્યુલ્ડ અને સ્પેશિયલ ફ્લાઇટ્સ ઓપરેટ કરવાનું આયોજન કર્યું છે. બીજી તરફ, સ્પાઇસજેટ પણ આ રેસમાં પાછળ નથી. કંપનીએ જણાવ્યું છે કે તેઓ અત્યાર સુધીમાં 100 થી વધુ ફ્લાઇટ્સ સફળતાપૂર્વક ચલાવી ચૂક્યા છે અને આગામી દિવસોમાં ભારત-UAE વચ્ચે વધારાની ફ્લાઇટ્સ ઉમેરવા જઈ રહ્યા છે.
ક્યાં હજુ પણ છે અડચણો?
જોકે, તમામ રૂટ પર સ્થિતિ સામાન્ય નથી થઈ. બહેરીનનું એરસ્પેસ હજુ પણ બંધ હોવાને કારણે ગલ્ફ એરની ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી રહી છે. તેમજ કતાર એરવેઝે તેના મુસાફરો માટે ખાસ એડવાઇઝરી બહાર પાડી છે. દોહાના હમાદ એરપોર્ટ પર ભીડ ટાળવા માટે મુસાફરોને ફ્લાઇટના સમયના 4 કલાક પહેલા ન આવવાની અને માત્ર કન્ફર્મ ટિકિટ હોય તો જ એરપોર્ટ પહોંચવાની સલાહ આપવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
