News of Friday, 20th March 2026
વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2026: સિંગાપોરનું ચાંગી એરપોર્ટ ફરી એકવાર દુનિયામાં સર્વશ્રેષ્ઠ, દિલ્હી એરપોર્ટે પણ લગાવી મોટી છલાંગ
સ્કાયટ્રેક્સ રેન્કિંગમાં ચાંગી એરપોર્ટે સતત બીજા વર્ષે નંબર-1 નો તાજ જાળવી રાખ્યો; ટોચના 30 માં ભારતનું એકમાત્ર એરપોર્ટ દિલ્હી, જાણો દુનિયાના ટોપ-10 એરપોર્ટ્સની યાદી

સિંગાપોર | તા.20: મુસાફરોને મળતી વિશ્વસ્તરીય સુવિધાઓ અને શાનદાર અનુભવના આધારે 'સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2026'ની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં સિંગાપોરના ચાંગી એરપોર્ટને સતત બીજા વર્ષે વિશ્વનું 'શ્રેષ્ઠ એરપોર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. 100 થી વધુ દેશોના મુસાફરોના સાત મહિના લાંબા સર્વે બાદ આ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ચાંગી એરપોર્ટ તેની બેજોડ સેવાઓ માટે ટોચ પર રહ્યું છે.
દિલ્હી એરપોર્ટનું શાનદાર પ્રદર્શન
ભારત માટે ગર્વની વાત એ છે કે દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) વૈશ્વિક રેન્કિંગમાં ગયા વર્ષના 32મા સ્થાનેથી સુધારો કરીને હવે 28મા ક્રમે પહોંચી ગયું છે. દિલ્હી એરપોર્ટે ભારત અને દક્ષિણ એશિયાના શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. નોંધનીય છે કે વાર્ષિક 70 મિલિયનથી વધુ મુસાફરોને હેન્ડલ કરતા એરપોર્ટ્સની કેટેગરીમાં દિલ્હી એરપોર્ટ વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે, જે તેની વધતી ક્ષમતા દર્શાવે છે.
કોણ છે રેસમાં આગળ?
વૈશ્વિક યાદીમાં કતારનું હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ બીજા ક્રમે અને જાપાનનું ટોક્યો હનેડા એરપોર્ટ ત્રીજા ક્રમે રહ્યું છે. આ એરપોર્ટ્સ તેમની સ્વચ્છતા, ટેકનોલોજી અને મુસાફરોની સુવિધા માટે જાણીતા છે. એશિયાના એરપોર્ટ્સનો આ યાદીમાં દબદબો જોવા મળ્યો છે, જેમાં દક્ષિણ કોરિયાનું ઇંચિયોન અને જાપાનનું નરીતા એરપોર્ટ પણ ટોપ-5 માં સામેલ છે.
દુનિયાના ટોપ-10 એરપોર્ટ્સ (2026):
રેન્ક
એરપોર્ટનું નામ
શહેર/દેશ
1
સિંગાપોર ચાંગી એરપોર્ટ
સિંગાપોર
2
હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ
દોહા, કતાર
3
ટોક્યો હનેડા એરપોર્ટ
ટોક્યો, જાપાન
4
ઇંચિયોન ઇન્ટરનેશનલ એરપોર્ટ
સિયોલ, દક્ષિણ કોરિયા
5
નરીતા ઇન્ટરનેશનલ એરપોર્ટ
ટોક્યો, જાપાન
6
પેરિસ ચાર્લ્સ ડી ગૌલ એરપોર્ટ
પેરિસ, ફ્રાન્સ
7
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ
દુબઈ, UAE
8
મ્યુનિક એરપોર્ટ
મ્યુનિક, જર્મની
9
ઝુરિચ એરપોર્ટ
ઝુરિચ, સ્વિટ્ઝરલેન્ડ
10
ઇસ્તંબુલ એરપોર્ટ
ઇસ્તંબુલ, તુર્કી
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
