<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ઈરાન-ઈઝરાયલ જંગના કારણે મધ્ય પૂર્વના આકાશમાં જોખમ વધ્યું: ભારતીય વિમાનોને 9 દેશોના એરસ્પેસ ટાળવા DGCAનો કડક આદેશ

દુબઈ, કતાર અને કુવૈત સહિતના દેશો પરથી ઉડાન ભરતા પહેલા એરલાઇન્સે બનાવવો પડશે 'પ્લાન-B'; સાઉદી અને ઓમાનમાં પણ 32,000 ફૂટથી નીચે વિમાન ઉડાડવા પર પ્રતિબંધ

નવી દિલ્હી | તા.20: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની સીધી અસર હવે આંતરરાષ્ટ્રીય હવાઈ સફર પર જોવા મળી રહી છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની ઉડ્ડયન નિયામક સંસ્થા DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ ભારતીય એરલાઇન્સ માટે નવી એડવાઇઝરી જાહેર કરી છે. આ અંતર્ગત જોખમી ગણાતા 9 દેશોના હવાઈ ક્ષેત્રોનો (Airspace) ઉપયોગ કરવા પર હાલ પૂરતી રોક લગાવી દેવામાં આવી છે.

કયા દેશો પરથી ઉડાન પર પ્રતિબંધ?

DGCA એ એરલાઇન્સને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ બહેરીન, ઈરાન, ઇરાક, ઈઝરાયલ, જોર્ડન, કુવૈત, લેબનોન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના આકાશમાંથી પસાર થવાનું ટાળે. ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ સર્જાયેલા તણાવને જોતા નાગરિક ઉડ્ડયન માટે ભારે જોખમ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ આદેશ હાલ 28 માર્ચ સુધી અમલમાં રહેશે, ત્યારબાદ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

સાઉદી અને ઓમાન માટે ખાસ નિયમો

સાઉદી અરેબિયા અને ઓમાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરી શકાશે, પરંતુ ત્યાં પણ સુરક્ષાના કારણોસર કડક શરતો મુકવામાં આવી છે. એરલાઇન્સને સૂચના આપવામાં આવી છે કે તેઓ આ દેશોમાં ચોક્કસ વિસ્તારોમાં 32,000 ફૂટ (FL 320) થી ઓછી ઊંચાઈ પર વિમાન ન ઉડાડે. આ સાથે જ પાયલટોને ફ્લાઇટ દરમિયાન સતત લેટેસ્ટ NOTAM (Notice to Airmen) પર નજર રાખવા અને એરસ્પેસમાં થતા ફેરફારોથી માહિતગાર રહેવા જણાવાયું છે.

મજબૂત 'બેકઅપ પ્લાન' તૈયાર રાખવા સૂચના

જે એરલાઇન્સ હજુ પણ પ્રભાવિત વિસ્તારોના એરપોર્ટ પર કામગીરી કરી રહી છે, તેમણે કોઈ પણ અણધારી ઘટનાને પહોંચી વળવા માટે મજબૂત 'આકસ્મિક યોજના' (Contingency Plan) તૈયાર રાખવી પડશે. DGCA એ ભારપૂર્વક જણાવ્યું છે કે મુસાફરોની સુરક્ષા સર્વોપરી છે અને કોઈપણ ઓપરેટરે જોખમનું મૂલ્યાંકન કર્યા વિના આ વિસ્તારોમાં ઉડાન ન ભરવી જોઈએ. ઈરાન દ્વારા બદલો લેવાની જે જાહેરાત કરવામાં આવી છે, તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતામાં વધારો કર્યો છે.

(4:01 PM IST)