હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દુનિયાના દરિયાઈ માર્ગો પર ભારતની લાલ આંખ: 'હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજો પર હુમલા અસ્વીકાર્ય', નિર્દોષ નાવિકોના મોત પર દેશે વ્યક્ત કર્યો ભારે રોષ
યુકેમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરૈસ્વામીનું લંડનમાં સખત વલણ; વૈશ્વિક નાવિક કાર્યબળમાં ભારતનો 13% હિસ્સો, દરિયાઈ સુરક્ષા માટે ઈન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન (IMO) એ લીધો મોટો નિર્ણય

લંડન | તા.20: મધ્ય પૂર્વના યુદ્ધની જ્વાળાઓ હવે સમુદ્રી વેપારના મુખ્ય માર્ગ ગણાતી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) સુધી પહોંચી ગઈ છે. આ વિસ્તારમાં વેપારી જહાજો પર થઈ રહેલા જીવલેણ હુમલાઓ અંગે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર અત્યંત કડક વલણ અપનાવ્યું છે. લંડનમાં આયોજિત IMO કાઉન્સિલના અસાધારણ સત્રમાં ભારતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વાણિજ્યિક જહાજો અને નિર્દોષ નાવિકોને નિશાન બનાવવાની ઘટનાઓ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.
નાવિકોની સુરક્ષા ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા
યુકેમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરૈસ્વામીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત વિશ્વને નાવિકો પૂરા પાડતા ટોચના ત્રણ દેશોમાંનો એક છે. વૈશ્વિક મરીન વર્કફોર્સમાં ભારતનું યોગદાન આશરે 13 ટકા જેટલું મોટું છે. હુમલાઓમાં ભારતીય નાવિકોના જીવ જવાની ઘટનાઓ પર ઊંડો શોક વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, "નાગરિક દરિયાઈ માળખા પર હુમલા કરવા તે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે. અમે તમામ પક્ષોને અત્યંત સંયમ રાખવા અને રાજદ્વારી માધ્યમથી ઉકેલ લાવવા અપીલ કરીએ છીએ."
IMOનો ઐતિહાસિક નિર્ણય: સેફ્ટી કોરિડોર બનશે
વધતા જતા જોખમોને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન (IMO) એ એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે ઉચ્ચ જોખમ ધરાવતા સમુદ્રી વિસ્તારોમાં 'દરિયાઈ સલામતી કોરિડોર' (Maritime Safety Corridors) બનાવવામાં આવશે. આ ખાસ સુરક્ષિત રસ્તાઓ દ્વારા વેપારી જહાજોને લશ્કરી રક્ષણ હેઠળ અથવા સુરક્ષિત માર્ગે પસાર કરવામાં આવશે, જેથી ઉર્જા પુરવઠો અને વૈશ્વિક વેપાર ખોરવાય નહીં. ઈરાનના હુમલાઓની નિંદા કરતા IMO એ આંતરરાષ્ટ્રીય સંકલન વધારવા પર ભાર મૂક્યો છે.
વિક્રમ દોરૈસ્વામીની ચીનમાં મહત્વની નિમણૂક
આ ગંભીર ચર્ચાઓ વચ્ચે એક અન્ય મહત્વના સમાચાર એ છે કે, અત્યારે યુકેમાં સેવા આપી રહેલા અનુભવી રાજદૂત વિક્રમ દોરૈસ્વામીની હવે ચીનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે. પૂર્વી લદ્દાખમાં છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા તણાવપૂર્ણ સંબંધોને સુધારવા અને ચીન સાથેની રાજદ્વારી વાતચીતને વેગ આપવા માટે ભારત સરકારનું આ એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
