<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ISI ના જાસૂસોના નિશાના પર માત્ર લશ્કરી થાણા જ નહીં, અંબાણી-અદાણીના ઘર અને લાલ કિલ્લો પણ હતા: ગાઝિયાબાદથી ઝડપાયેલા 6 એજન્ટોનો સનસનીખેજ ખુલાસો

પાકિસ્તાની હેન્ડલર 'ઝોરા સિંહ'ને મોકલ્યા હતા એન્ટિલિયા અને દૂતાવાસોના ગુપ્ત વીડિયો; કૌશાંબીના ભોવાપુરમાં છુપાયેલા જાસૂસોની કડક પૂછપરછમાં સુરક્ષા એજન્સીઓ સામે ખુલ્યું જાસૂસીનું મોટું નેટવર્ક

ગાઝિયાબાદ | તા.20: ભારતની આંતરિક સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. ગાઝિયાબાદના કૌશાંબી વિસ્તારમાંથી પકડાયેલા પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI ના છ જાસૂસોની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તેમનું નેટવર્ક માત્ર લશ્કરી પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત નહોતું. આ જાસૂસો ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીના રહેઠાણોની પણ રેકી કરી રહ્યા હતા.

હાઈ-પ્રોફાઈલ લોકેશનના બનાવ્યા હતા વીડિયો

સુરક્ષા એજન્સીઓની તપાસમાં બહાર આવ્યું છે કે, આ આરોપીઓએ મુંબઈ સ્થિત મુકેશ અંબાણીના નિવાસસ્થાન 'એન્ટિલિયા', ગૌતમ અદાણીના ઘર તેમજ ઐતિહાસિક લાલ કિલ્લા અને દિલ્હી સ્થિત વિવિધ દેશોના દૂતાવાસોના ગુપ્ત વીડિયો શૂટ કર્યા હતા. આ તમામ સંવેદનશીલ વિગતો અને વીડિયો પાકિસ્તાનમાં બેઠેલા ISI એજન્ટ ઝોરા સિંહ ઉર્ફે સરદારને મોકલવામાં આવ્યા હતા. આ ખુલાસા બાદ દેશના અતિ મહત્વના સ્થળો અને મહાનુભાવોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા તેજ કરી દેવામાં આવી છે.

ભોવાપુરથી થઈ હતી ધરપકડ

ગાઝિયાબાદના ભોવાપુર વિસ્તારમાં છુપાયેલા આ જાસૂસોને સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી પાડ્યા હતા. શરૂઆતમાં તેઓ માત્ર સામાન્ય શંકાસ્પદ લાગતા હતા, પરંતુ કડક પૂછપરછમાં તેમની જાસૂસીની મોડસ ઓપરેન્ડી અને પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. તેઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અત્યંત ગુપ્ત રીતે ડેટા ટ્રાન્સફર કરી રહ્યા હતા.

વધુ મોટા ષડયંત્રની આશંકા

સુરક્ષા એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, શું આ જાસૂસો કોઈ મોટા આતંકી હુમલાની તૈયારીના ભાગરૂપે આ રેકી કરી રહ્યા હતા કે કેમ? ઉદ્યોગપતિઓના ઘરની જાસૂસી પાછળનો હેતુ આર્થિક અસ્થિરતા ફેલાવવાનો હોઈ શકે છે તેવી આશંકા પણ સેવવામાં આવી રહી છે. હાલમાં આ તમામ આરોપીઓ રિમાન્ડ પર છે અને તેમની પાસેથી વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે.

(5:13 PM IST)