<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

'તમે તો સોશિયલ મીડિયા પર પ્રચાર કરી રહ્યા છો, પોલીસ સુરક્ષા શા માટે?': ઉત્તરાખંડ હાઈકોર્ટે 'મોહમ્મદ' દીપકને બરાબરનો ખંખેર્યો, સુરક્ષાની માંગણીને ગણાવી 'દબાણ લાવવાની યુક્તિ'

કોટદ્વાર રમખાણ અને શાંતિ ભંગના આરોપી દીપક કુમારની અરજી પર જસ્ટિસ રાકેશ થાપલિયાલ લાલઘૂમ; FIR રદ કરવાનો ઇનકાર અને સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવા સામે કડક પ્રતિબંધ

દેહરાદૂન | તા.20: ઉત્તરાખંડ હાઈકોર્ટે કોટદ્વારના ચકચારી કેસમાં દીપક કુમાર ઉર્ફે 'મોહમ્મદ' દીપકની અરજી પર સુનાવણી દરમિયાન આકરી ટીકા કરી છે. આરોપી હોવા છતાં પોલીસ સુરક્ષા માંગવા બદલ અને સોશિયલ મીડિયા પર કેસને સનસનાટીભર્યો બનાવવા બદલ કોર્ટે દીપકને જોરદાર ઠપકો આપ્યો હતો. ન્યાયાધીશે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કોઈ શંકાસ્પદ આરોપી પોલીસ સુરક્ષાની માંગ કરીને તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે નહીં.

શું છે સમગ્ર વિવાદ?

આ ઘટનાની શરૂઆત ૨૬ જાન્યુઆરીના રોજ કોટદ્વારમાં થઈ હતી. આરોપ છે કે બજરંગ દળના સભ્યોએ વકીલ અહેમદ નામના એક મુસ્લિમ દુકાનદાર દ્વારા તેની દુકાનનું નામ "બાબા" રાખવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આ દરમિયાન દીપક કુમાર ત્યાં પહોંચ્યો હતો અને બજરંગ દળના સભ્યો સાથે તેની ઝપાઝપી થઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જ્યારે તેનું નામ પૂછવામાં આવ્યું, ત્યારે તેણે પોતાને "મોહમ્મદ દીપક" તરીકે ઓળખાવ્યો હતો. આ મામલે તેની સામે રમખાણો ફેલાવવા, ઈજા પહોંચાડવા અને શાંતિ ભંગ કરવા બદલ FIR નોંધવામાં આવી હતી.

હાઈકોર્ટની કડક ટિપ્પણી: "આરોપી સુરક્ષા કેવી રીતે માંગી શકે?"

ન્યાયાધીશ રાકેશ થાપલિયાલે દીપકની અરજી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "તમે પોતે આ કેસમાં શંકાસ્પદ આરોપી છો, તો પછી પોલીસ સુરક્ષાની માંગ કેવી રીતે કરી શકો? તમારા પર કોણ દબાણ કરી રહ્યું છે?" કોર્ટે નોંધ્યું કે દીપક સોશિયલ મીડિયા દ્વારા આ મામલાને બિનજરૂરી રીતે ફેલાવીને પબ્લિસિટી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. દીપકે તપાસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી, જેને કોર્ટે તપાસ એજન્સીના મનોબળને તોડવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવા સામે રોક

કોર્ટે દીપક કુમાર પર સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની નિવેદનબાજી કરવા સામે તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. ન્યાયાધીશે જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓ પોલીસ તપાસમાં અવરોધ ઊભો કરે છે. રાજ્ય સરકારે પણ કોર્ટમાં રજૂઆત કરી હતી કે દીપક તપાસમાં સહયોગ કરવાને બદલે સોશિયલ મીડિયા પર પ્રચારમાં વ્યસ્ત છે.

તપાસ ચાલુ રાખવા નિર્દેશ

હાઈકોર્ટે દીપક સામે નોંધાયેલો ફોજદારી કેસ રદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને પોલીસને નિયમ મુજબ તપાસ આગળ ધપાવવા આદેશ આપ્યો છે. જોકે, કોર્ટે પોલીસને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ (અર્નેશ કુમાર કેસ) નું પાલન કરવા જણાવ્યું છે, કારણ કે આ કેસમાં સજાની જોગવાઈ સાત વર્ષથી ઓછી છે.

(5:44 PM IST)