તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
દિલ્હીના નવા LG તરનજીત સિંહ સંધુની વડાપ્રધાન મોદી સાથે પ્રથમ સૌજન્ય મુલાકાત: રાષ્ટ્રીય રાજધાનીના વિકાસ અને સુરક્ષા મુદ્દે થઈ મહત્વની ચર્ચા
અમેરિકામાં ભારતના પૂર્વ રાજદૂત અને અનુભવી રાજદ્વારી સંધુએ સંભાળ્યો દિલ્હીનો કાર્યભાર; મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેબિનેટ સાથે બેઠક બાદ પીએમ મોદીના આશીર્વાદ લીધા, ડિજિટલ ઇન્ડિયા પર આપ્યો ભાર

નવી દિલ્હી | તા.20: દિલ્હીના નવનિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર (LG) તરનજીત સિંહ સંધુએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મંગળવારે દિલ્હીના 23મા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે શપથ લીધા બાદ વડાપ્રધાન સાથેની તેમની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. આ બેઠક દરમિયાન દિલ્હીના વહીવટી પ્રશ્નો અને વિકાસલક્ષી યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સંધુએ આ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પણ શેર કરી છે.
અનુભવી રાજદ્વારી અને 'યુએસ એક્સપર્ટ'ની છબી
ભારતીય વિદેશ સેવા (IFS) ના 1988 બેચના અધિકારી તરનજીત સિંહ સંધુ આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત પ્રતિષ્ઠિત નામ છે. તેઓ ફેબ્રુઆરી 2020 થી જાન્યુઆરી 2024 સુધી અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી ચૂક્યા છે. અમેરિકી બાબતોમાં તેમનો બહોળો અનુભવ અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તેમની ક્ષમતાને જોતા, કેન્દ્ર સરકારે તેમને દેશની રાજધાની દિલ્હીની મહત્વની જવાબદારી સોંપી છે. અગાઉના LG વી.કે. સક્સેનાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા બાદ 5 માર્ચે સંધુની નિમણૂક કરવામાં આવી હતી.
દિલ્હી કેબિનેટ અને પોલીસ અધિકારીઓ સાથે બેઠકોનો ધમધમાટ
પદભાર સંભાળ્યાના એક અઠવાડિયાની અંદર જ LG સંધુ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને તેમના કેબિનેટ મંત્રીઓ સાથે મુલાકાત કરી દિલ્હી સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, તેમણે દિલ્હી પોલીસ કમિશનર અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે પોલીસના પ્રયાસોની પ્રશંસા કરવાની સાથે પડકારોનો સામનો કરવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
રાષ્ટ્ર નિર્માણમાં ટેકનોલોજીનું મહત્વ
LG તરીકેના તેમના પ્રથમ જાહેર કાર્યક્રમમાં સંધુએ 'NASSCOM ગ્લોબલ કન્ફ્લુઅન્સ 2026' ને સંબોધિત કર્યું હતું. તેમણે "રાષ્ટ્ર નિર્માણમાં ટેકનોલોજીની ભૂમિકા" વિષય પર બોલતા કહ્યું કે, 2026 માં રાષ્ટ્ર નિર્માણનું સ્વરૂપ બદલાઈ ગયું છે. આજે ફાઈબર ઓપ્ટિક કેબલ અને અલ્ગોરિધમ્સ જેવી અદ્રશ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેટલી જ મહત્વની છે. તેમણે ડિજિટલ ભવિષ્યને માનવીય અભિગમ સાથે જોડવા પર ભાર મૂક્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
