તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
'વહીવટીતંત્ર કહેશે તો જ દુકાનો બંધ કરીશું, તમારું નહીં સાંભળીએ': ઉત્તર પ્રદેશના સહારનપુરમાં માંસની દુકાનો બંધ કરાવવા ગયેલા સંગઠનના કાર્યકરો અને વેપારીઓ સામસામે, ભારે હોબાળો
નવરાત્રિના પ્રારંભે બેહટ ટાઉનમાં હાઈવોલ્ટેજ ડ્રામા; હિન્દુ સંગઠનના કાર્યકરો પર હુમલાનો આરોપ, પોલીસ સ્ટેશન બહાર ધરણા અને રસ્તા જામ થતા સ્થિતિ તંગ

સહારનપુર: ઉત્તર પ્રદેશના સહારનપુરમાં નવરાત્રિના પવિત્ર પર્વના પ્રથમ દિવસે જ ભારે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. શહેરના બેહટ વિસ્તારમાં ખુલ્લેઆમ માંસનું વેચાણ કરતી દુકાનો બંધ કરાવવા પહોંચેલા એક હિન્દુ સંગઠનના કાર્યકરો અને સ્થાનિક દુકાનદારો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. દુકાનદારોએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે, "જો પોલીસ કે વહીવટીતંત્ર આદેશ આપશે તો જ અમે દુકાનો બંધ કરીશું, કોઈ સંગઠનની વાત માનીશું નહીં." આ દલીલબાજીએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ઝપાઝપી બાદ કાર્યકરોનો પીછો કર્યો
મળતી માહિતી મુજબ, ગુરુવારે જ્યારે સંગઠનના કાર્યકરો માંસની દુકાનો બંધ કરાવવા આગ્રહ કરી રહ્યા હતા, ત્યારે વિક્રેતાઓ અને સ્થાનિક રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા. વાત વધતા ઝપાઝપી શરૂ થઈ હતી અને માંસ વિક્રેતાઓએ કાર્યકરોને ત્યાંથી ભગાડી મૂક્યા હતા. કાર્યકરોએ આરોપ લગાવ્યો છે કે ઉશ્કેરાયેલા ટોળાએ તીક્ષ્ણ હથિયારો સાથે તેમનો પીછો કર્યો હતો, જેના કારણે જીવ બચાવવા માટે તેમણે સીધા પોલીસ સ્ટેશનમાં શરણ લેવી પડી હતી.
પોલીસ સ્ટેશન બહાર ધરણા અને ચક્કાજામ
આ ઘટનાથી રોષે ભરાયેલા હિન્દુ સંગઠનના સભ્યો શાકંભરી ચોકડી પર રસ્તાની વચ્ચે બેસી ગયા હતા અને પોલીસ પાસે ત્વરિત કાર્યવાહીની માંગણી કરી હતી. વિરોધ પ્રદર્શનને કારણે રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કાર્યકરોએ દાવો કર્યો હતો કે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે અને દોષિતોની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
પોલીસે આપી કાર્યવાહીની ખાતરી
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પ્રદર્શનકારીઓને શાંત પાડીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે હુમલો કરનારા શખ્સોની ઓળખ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. હાલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
