હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

નવી દિલ્હી: વજન ઘટાડવા માટે દુનિયાભરમાં લોકપ્રિય બનેલી દવાઓ ઓઝેમ્પિક અને વિગોવીની પેટન્ટ આજે સમાપ્ત થતાં આરોગ્ય ક્ષેત્રે મોટો ફેરફાર આવ્યો છે. અત્યાર સુધી નોવો નોર્ડિસ્ક જેવી વિદેશી કંપનીઓના એકાધિકારને કારણે આ દવાનો માસિક ખર્ચ ₹10,000 થી ₹20,000 જેટલો થતો હતો, જે હવે ઘટીને માત્ર ₹500 થી ₹1,000 થઈ જશે. ભારતમાં દર ચારમાંથી એક પુખ્ત વ્યક્તિ સ્થૂળતાથી પીડાય છે અને 10 કરોડથી વધુ લોકો ડાયાબિટીસના શિકાર છે, ત્યારે આ સસ્તી દવા કરોડો લોકો માટે જીવનરક્ષક સાબિત થશે.
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, આ દવા શરીરમાં તૃપ્તિ હોર્મોનને સક્રિય કરી ભૂખ ઘટાડે છે, જે વજન ઉતારવામાં ચમત્કારિક પરિણામો આપે છે. અગાઉ ઊંચી કિંમતને કારણે દર્દીઓ અધવચ્ચેથી સારવાર છોડી દેતા હતા, પરંતુ હવે ભાવમાં 90% જેટલો ઘટાડો થતાં સામાન્ય વર્ગના લોકો પણ લાંબા સમય સુધી સારવાર લઈ શકશે. ભારતીય બજારમાં લગભગ 40 જેટલી ફાર્માસ્યુટિકલ કંપનીઓ આ જેનેરિક દવા બનાવવા માટે તૈયાર છે, જેનાથી બજારમાં સ્પર્ધા વધશે અને ગુણવત્તાયુક્ત દવાઓ અત્યંત સસ્તા દરે ઉપલબ્ધ થશે.
'વિશ્વની ફાર્મસી' તરીકે ઓળખાતું ભારત હવે આ વજન ઘટાડવાની જેનેરિક દવાઓનું મોટા પાયે ઉત્પાદન કરી 200થી વધુ દેશોમાં નિકાસ કરશે. અગાઉ ભારતે HIV/AIDSની સસ્તી દવાઓ બનાવીને આફ્રિકામાં ક્રાંતિ લાવી હતી, તે જ રીતે હવે સ્થૂળતા વિરોધી દવાઓ દ્વારા વૈશ્વિક આરોગ્યમાં ભારત નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ પગલું માત્ર ભારતીયો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગોના જોખમને ઘટાડવા માટે 'ગેમ-ચેન્જર' સાબિત થશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM