<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

'તમે મને પર્લ હાર્બર વિશે કેમ નહોતું કહ્યું?': ઈરાન પરના ગુપ્ત હુમલા અંગે જાપાનના પીએમ સના તાકાઈચીએ સવાલ પૂછતા ટ્રમ્પે ૧૯૪૧નો ઈતિહાસ ખોલીને સૌને સ્તબ્ધ કરી દીધા

ઓવલ ઓફિસમાં રાજદ્વારી ગરમાવો; ઈરાન વિરુદ્ધના 'ઓપરેશન એપિક ફ્યુરી'માં જાપાનને અંધારામાં રાખવા મુદ્દે ટ્રમ્પનો વળતો પ્રહાર, વિવાદ છતાં જાપાન $73 બિલિયનના મેગા એનર્જી ડીલ પર મહોર મારવામાં સફળ

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન સના તાકાઈચી વચ્ચેની હાઈ-પ્રોફાઈલ સમિટમાં ગુરુવારે એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો હતો. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા અચાનક હુમલાઓ (ઓપરેશન એપિક ફ્યુરી) વિશે જાપાનને પૂર્વ જાણકારી કેમ ન આપવામાં આવી, તેવા જાપાની મીડિયાના સવાલ પર ટ્રમ્પે બીજા વિશ્વયુદ્ધના પર્લ હાર્બર હુમલાનો ઉલ્લેખ કરીને સૌને સ્તબ્ધ કરી દીધા હતા.

'આશ્ચર્ય' વિશે જાપાનથી વધુ કોણ જાણે?

જ્યારે પીએમ તાકાઈચીની હાજરીમાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે સાથી દેશ હોવા છતાં જાપાનને ઈરાન પરના હુમલાથી અજાણ કેમ રાખવામાં આવ્યું? ત્યારે ટ્રમ્પે પોતાની આગવી શૈલીમાં વળતો જવાબ આપતા કહ્યું, "અમે આ હુમલામાં આશ્ચર્ય (Surprise) ઈચ્છતા હતા... અને જાપાન કરતાં 'સરપ્રાઈઝ' વિશે વધુ સારું કોણ જાણી શકે? તમે મને પર્લ હાર્બર વિશે કેમ નહોતું કહ્યું?" ૭ ડિસેમ્બર ૧૯૪૧ના રોજ જાપાન દ્વારા અમેરિકાના પર્લ હાર્બર પર થયેલા અચાનક હુમલાના આ સંદર્ભે ઓવલ ઓફિસમાં સન્નાટો વ્યાપી ગયો હતો અને પીએમ તાકાઈચીના ચહેરાના હાવભાવ પણ કડક થઈ ગયા હતા.

કડવાશ વચ્ચે $73 બિલિયનની મોટી જીત

ટ્રમ્પની આ આકરી ટિપ્પણી છતાં, જાપાનના પીએમ તાકાઈચીએ અદ્ભુત રાજદ્વારી સંયમ જાળવ્યો હતો. તેમણે આ ટિપ્પણી પર કોઈ વિવાદ વધારવાને બદલે મુખ્ય કાર્યસૂચિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરિણામે, જાપાન અમેરિકા સાથે $73 બિલિયનના વિશાળ ઉર્જા સોદા પર હસ્તાક્ષર કરવામાં સફળ રહ્યું છે. આ ડીલ હેઠળ જાપાનને પરમાણુ અને ગેસ ભાગીદારીમાં મોટો ફાયદો થશે, જે તાકાઈચીના ઘટતા લોકપ્રિયતા રેટિંગને બચાવવા માટે એક મહત્વની વ્યૂહાત્મક જીત માનવામાં આવે છે.

મિત્રતા અને મજબૂરીનું સંતુલન

નોંધનીય છે કે આ વિવાદાસ્પદ લાઇન પહેલા ટ્રમ્પે તાકાઈચીના ખૂબ વખાણ કર્યા હતા અને તેમને 'મિત્ર' કહીને સંબોધ્યા હતા. જાપાન માટે અમેરિકા સાથેનું ગઠબંધન અનિવાર્ય છે, કારણ કે ચીન સાથેના વધતા તણાવ વચ્ચે જાપાનમાં ૬૦,૦૦૦ અમેરિકન સૈનિકો તૈનાત છે અને હોર્મુઝ સ્ટ્રેટ જેવા ઉર્જા માર્ગો માટે તે અમેરિકી સુરક્ષા પર નિર્ભર છે. આ જ કારણ છે કે તાકાઈચીએ ટ્રમ્પના 'પર્લ હાર્બર સ્વાઈપ'ને નજરઅંદાજ કરીને દેશના હિતમાં આર્થિક ભાગીદારીને પ્રાથમિકતા આપી હતી.

(7:19 PM IST)