હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'તમારા પ્રદૂષણે મારું ઘર ડુબાડ્યું': પાકિસ્તાની ખેડૂતનો જર્મન કંપનીઓ પર હજારો કરોડનો દાવો
ગ્લોબલ વોર્મિંગ સામે આરપારની લડાઈ: ૨૦૨૨ના વિનાશક પૂર માટે RWE અને હાઇડેલબર્ગ મટિરિયલ્સને જવાબદાર ગણાવી ખેડૂતે આંતરરાષ્ટ્રીય કોર્ટના દ્વાર ખખડાવ્યા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના સિંધ પ્રાંતના એક સામાન્ય ખેડૂત ઇનાયતુલ્લાહ લઘારીએ જર્મનીની બે દિગ્ગજ કંપનીઓ સામે ઐતિહાસિક કાયદાકીય જંગ છેડ્યો છે. ૨૦૨૨માં આવેલા પ્રલયકારી પૂરને કારણે પોતાનું સર્વસ્વ ગુમાવનાર આ ખેડૂતે જર્મનીની પાવર કંપની RWE અને કન્સ્ટ્રક્શન જાયન્ટ હાઇડેલબર્ગ મટિરિયલ્સ પર દાવો માંડ્યો છે. ખેડૂતનો આરોપ છે કે આ કંપનીઓ દ્વારા કરવામાં આવતું અતિશય કાર્બન ઉત્સર્જન વૈશ્વિક તાપમાનમાં વધારો કરે છે, જેના પરિણામે પાકિસ્તાન જેવા દેશોમાં 'સ્ટેરોઇડ ચોમાસા' જેવી કુદરતી આફતો આવે છે.
આ કેસની સૌથી રસપ્રદ વાત એ છે કે આ બંને કંપનીઓની પાકિસ્તાનમાં કોઈ સીધી કામગીરી નથી, છતાં મુકદ્દમામાં દલીલ કરવામાં આવી છે કે પ્રદૂષણની કોઈ ભૌગોલિક સીમા હોતી નથી. 'કાર્બન મેજર્સ'ના ડેટા મુજબ, આ કંપનીઓ વિશ્વના એવા ૧૭૮ ઔદ્યોગિક એકમોમાં સામેલ છે જે વૈશ્વિક સ્તરે ૭૦% પ્રદૂષણ માટે જવાબદાર છે. પાકિસ્તાન વિશ્વના કુલ કાર્બન ઉત્સર્જનમાં માત્ર ૧% ફાળો આપે છે, છતાં તે આબોહવા પરિવર્તનની સૌથી વધુ અસર ભોગવતા દેશોની યાદીમાં મોખરે છે.
હાઇડેલબર્ગ કોર્ટમાં ચાલી રહેલો આ કેસ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય પર્યાવરણ કાયદાઓ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. જો કોર્ટ ખેડૂતની તરફેણમાં ચુકાદો આપે, તો વિશ્વભરની પ્રદૂષણ ફેલાવતી મોટી કંપનીઓએ અન્ય દેશોમાં થતા આબોહવા સંબંધિત નુકસાન માટે વળતર ચૂકવવું પડી શકે છે. અગાઉ પેરુના એક ખેડૂતે પણ આવી જ કોશિશ કરી હતી, જેનાથી પ્રેરાઈને હવે પાકિસ્તાની ખેડૂતે ગ્લોબલ વોર્મિંગના 'ગુનેગારો' સામે ન્યાયની આશા સાથે લડત શરૂ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
