<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

બદ્રીનાથ ધામમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ: ૩ ફૂટ બરફની ચાદર વચ્ચે જનજીવન ઠપ્પ : માસ્ટર પ્લાનનું કામ અટાવાયું

હિમવર્ષાના પ્રકોપથી વીજળી ગુલ અને રસ્તાઓ બંધ: એન્જિનિયરો અને શ્રમિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા વહીવટીતંત્રનું મોટું રેસ્ક્યુ ઓપરેશન

ચમોલી:  ઉત્તરાખંડના સરહદી જિલ્લા ચમોલીમાં છેલ્લા બે દિવસથી આકાશમાંથી 'સફેદ આફત' વરસી રહી છે. વિશ્વપ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાં અત્યારે ત્રણ ફૂટથી વધુ બરફ જમા થઈ ગયો છે, જેના કારણે ચારેબાજુ માત્ર બરફની ચાદર જ નજરે પડે છે. આ ભીષણ હિમવર્ષાને કારણે ધામમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને તાપમાન ગગડીને શૂન્યથી ઘણું નીચે પહોંચી ગયું છે. બદ્રીનાથ માસ્ટર પ્લાન હેઠળ ચાલી રહેલા પુનઃનિર્માણ કાર્યને પણ બરફના કારણે બ્રેક લાગી છે.

પરિસ્થિતિની ગંભીરતાને જોતા જોશીમઠના એસડીએમ ચંદ્રશેખર વશિષ્ઠે તાત્કાલિક અસરથી સુરક્ષા પગલાં લીધા છે. કાચા મકાનો અને તંબુઓમાં રહીને કામ કરી રહેલા ઇજનેરો, કર્મચારીઓ અને સેંકડો શ્રમિકોને પાંડુકેશ્વર અને ગોવિંદઘાટ જેવા સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, બદ્રીનાથ પાછળના કંચનજંગા વિસ્તારમાં રસ્તો બંધ હોવાને કારણે કેટલાક કર્મચારીઓને પરત મોકલવા પડ્યા હતા, પરંતુ વહીવટીતંત્રના જણાવ્યા મુજબ તમામ લોકો હાલ સુરક્ષિત છે અને તેમને સતર્ક રહેવાની કડક સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે બદ્રીનાથ ધામ તરફ જવાની તમામ પરવાનગીઓ હાલ પૂરતી રદ કરી દીધી છે. બરફ હટાવવાની પ્રક્રિયા અને બાંધકામ ફરી શરૂ કરવા અંગેનો નિર્ણય હવામાન સામાન્ય થયા બાદ જ લેવામાં આવશે. અત્યારે બદ્રીનાથ ધામમાં કુદરતનો અદભૂત પણ જોખમી નજારો જોવા મળી રહ્યો છે, જ્યાં માનવીય પ્રવૃત્તિઓ થંભી ગઈ છે અને માત્ર બરફના પહાડોનું સામ્રાજ્ય છે. શ્રદ્ધાળુઓને પણ હાલ હિમાલયના ઉચ્ચ વિસ્તારોમાં પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

(7:34 PM IST)