હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્માર્ટફોન માર્કેટમાં એમેઝોનનો ધમાકેદાર પુનરાગમન? 'પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મર' સાથે એપલ-સેમસંગને આપશે સીધી ટક્કર!
૨૦૧૪ના 'ફાયર ફોન'ની નિષ્ફળતા ભૂલીને જેફ બેઝોસનો નવો માસ્ટર પ્લાન: એલેક્સા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ સ્માર્ટફોન યુઝર્સના પર્સનલાઇઝેશન અનુભવને બદલી નાખશે

નવી દિલ્હી : ટેક જગતની દિગ્ગજ કંપની એમેઝોન ફરી એકવાર સ્માર્ટફોન માર્કેટમાં ભૂકંપ લાવવાની તૈયારી કરી રહી હોય તેમ લાગે છે. વર્ષ ૨૦૧૪માં લોન્ચ થયેલા 'ફાયર ફોન'ની કારમી નિષ્ફળતાના એક દાયકા બાદ, કંપની હવે 'પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મર' નામ હેઠળ એક ગુપ્ત સ્માર્ટફોન પર કામ કરી રહી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ નવો ડિવાઇસ માત્ર એક ફોન નહીં, પરંતુ એમેઝોનના હોમ આસિસ્ટન્ટ 'એલેક્સા' સાથે સંપૂર્ણ રીતે સિંક થયેલું એક પર્સનલ ગેજેટ હશે, જે યુઝરની પસંદગી અને જરૂરિયાતોને સમજીને પર્સનલાઇઝ્ડ અનુભવ પૂરો પાડશે. જેફ બેઝોસનું આ વિઝન સ્માર્ટફોન માર્કેટમાં એપલના આઇફોન અને સેમસંગના પ્રભુત્વને પડકારવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે.
આ નવા સ્માર્ટફોન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એમેઝોન પ્રાઇમ મેમ્બર્સને શોપિંગનો અદભૂત અનુભવ આપવાનો અને યુઝર્સના ડેટા દ્વારા વધુ સારી સેવાઓ પૂરી પાડવાનો છે. એમેઝોન આ ફોન દ્વારા યુઝરની ખરીદીની આદતો, સામગ્રીની પસંદગી અને દૈનિક જરૂરિયાતોનો ડેટા એકત્ર કરી શકશે, જે તેને માર્કેટિંગ અને વેચાણમાં અન્ય કંપનીઓ કરતા જોજનો આગળ લઈ જશે. જોકે, પ્રોજેક્ટ હજુ વિકાસના તબક્કામાં હોવાથી તેની ચોક્કસ કિંમત કે લોન્ચિંગ તારીખ વિશે હજુ રહસ્ય અકબંધ છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટ એમેઝોનના 'ડિવાઇસીસ અને સર્વિસીસ' યુનિટમાં અત્યંત સાવચેતીપૂર્વક વિકસાવવામાં આવી રહ્યો છે.
જોકે, ટેક નિષ્ણાતો આ પ્રોજેક્ટને લઈને સાવધ પણ છે. ૨૦૧૪માં ફાયર ફોન જે રીતે ફ્લોપ થયો હતો, તે જોતા એમેઝોન માટે આ રસ્તો આસાન નહીં હોય. એમેઝોનના પ્રવક્તાએ હાલમાં આ બાબતે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ આંતરિક સૂત્રોનું કહેવું છે કે જો કંપનીની નાણાકીય વ્યૂહરચના બદલાશે તો આ પ્રોજેક્ટ રદ પણ થઈ શકે છે. તેમ છતાં, જો 'ટ્રાન્સફોર્મર' સફળતાપૂર્વક માર્કેટમાં આવશે, તો તે ૨૧મી સદીના સ્માર્ટફોન યુઝર્સ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે તે ઇ-કોમર્સ અને પર્સનલ આસિસ્ટન્ટનું એક અનોખું મિશ્રણ હશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
