<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

મહારાષ્ટ્રની ‘એપ્સટિન ફાઇલ્સ’: સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા ‘ભોન્ડુ બાબા’ અશોક ખરાટ સાથે રૂપાલી ચાકણકરના વીડિયો વાયરલ, મહિલા આયોગના અધ્યક્ષ પદેથી બરતરફીની માંગ

મહિલાઓના જાતીય શોષણ અને વાંધાજનક વીડિયો બનાવવાના આરોપમાં ૬૭ વર્ષીય ‘કેપ્ટન’ ખરાટની ધરપકડ; વિપક્ષનો પ્રહાર- નવ મંત્રીઓ બાબાના ભક્તો, રૂપાલી ચાકણકરના નાર્કો ટેસ્ટ અને સીડીઆર તપાસની ઉગ્ર માંગ

મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે ‘ગોડમેન’ અશોક ખરાટના કાળા કરતૂતોએ મોટો ભૂકંપ સર્જ્યો છે. નાસિકના ઇશાનેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી અને પોતાની જાતને ‘કેપ્ટન’ ગણાવતા અશોક ખરાટની ધરપકડ બાદ હવે રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ અને NCP નેતા રૂપાલી ચાકણકર વિપક્ષના નિશાના પર આવ્યા છે. ખરાટ સાથેના તેમના જૂના વીડિયો સામે આવ્યા છે, જેમાં તેઓ આ પાખંડી બાબાની પ્રશંસા કરતા અને તેમની સરખામણી ભગવાન વિઠ્ઠોબા સાથે કરતા સાંભળવા મળે છે.

શું છે સમગ્ર કૌભાંડ?

૬૭ વર્ષીય અશોક ખરાટ પર મહિલાઓનો વિશ્વાસ જીતીને આધ્યાત્મિક વિધિઓના બહાને તેમનું શારીરિક શોષણ કરવાનો અને તેમના વાંધાજનક વીડિયો ઉતારવાનો ગંભીર આરોપ છે. વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડી (MVA) એ આ ઘટનાને ‘મહારાષ્ટ્રની એપ્સટિન ફાઇલ્સ’ ગણાવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ખરાટ પોતાના રાજકીય અને સામાજિક વગનો ઉપયોગ કરીને પીડિતોને ડરાવતો હતો. હાલમાં તેની સામે બળાત્કાર, ગુનાહિત ધમકી અને કાળા જાદુ વિરોધી કાયદા હેઠળ ગુનો દાખલ કરી SIT દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

રૂપાલી ચાકણકર વિરુદ્ધ ભારે રોષ

મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના વડા હોવા છતાં એક આવા કુખ્યાત શખ્સ સાથે સંબંધો હોવાને કારણે રૂપાલી ચાકણકરની નૈતિકતા પર સવાલો ઉઠ્યા છે. શિવસેના (UBT) ના નેતા સુષ્મા અંધારે અને સામાજિક કાર્યકર્તા અંજલી દમણિયાએ ચાકણકરના રાજીનામાની માંગ કરી છે. અંધારેએ તો ત્યાં સુધી કહ્યું કે ચાકણકરનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ જેથી ખરાટ સાથેના તેમના આર્થિક વ્યવહારોની સત્યતા બહાર આવે. બીજી તરફ, સંજય રાઉતે દાવો કર્યો છે કે રાજ્ય સરકારના ઓછામાં ઓછા નવ મંત્રીઓ આ બાબાના ‘ભક્તો’ રહ્યા છે.

ચાકણકરની સ્પષ્ટતા અને પોલીસ તપાસ

ચારેબાજુથી ઘેરાયેલા રૂપાલી ચાકણકરે એક ટૂંકું નિવેદન જારી કરીને બચાવ કર્યો છે કે, તેઓ સામાજિક કાર્યના સંદર્ભમાં ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા અને તેમને ખરાટના અંગત જીવન કે કરતૂતો વિશે કોઈ જાણકારી નહોતી. તેમણે પોલીસ તપાસમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે, ભાજપના મંત્રી રાધાકૃષ્ણ વિખે-પાટીલે પણ આ મામલે કડક તપાસની હિમાયત કરી છે. અત્યારે નાસિક અને શિરડીમાં ખરાટની અસ્કયામતો અને તેના રાજકીય કનેક્શનની ઊંડી તપાસ ચાલી રહી છે.

(8:07 PM IST)