રાજકોટમાં તબીબને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઈલ કરતી 'કહેવાતા' પત્રકારોની ટોળકીનો પર્દાફાશ : મુખ્ય સૂત્રધાર ડો. કમલ નાંઢા અને હિરેન મકવાણા સહિત ૧૨ સામે ગુનો નોંધાયો : જુઓ વિડીયો
ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વિગતો જણાવી : હિડન કેમેરાથી વીડિયો ઉતારી તોડ કરનાર ભારત ટાઈમ્સના જતીન-સ્વાતી નથવાણી, જીગર સોઢા, અમિત ઠક્કર અને જગદીશ તેરૈયા વિરુદ્ધ સાયબર ક્રાઈમની કાર્યવાહી

રાજકોટ:રાજકોટના સાધુ વાસવાણી રોડ પર પ્રેક્ટિસ કરતા એક તબીબને હનીટ્રેપ અને બ્લેકમેઈલિંગની જાળમાં ફસાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ ચોંકાવનારી ઘટનામાં તબીબના જ સાથી ડોક્ટરે પત્રકારોની ટોળકી સાથે મળીને લાખોની ખંડણી માંગતા ખળભળાટ મચી ગયો છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ પોલીસે વિવિધ ન્યૂઝ પોર્ટલ અને અખબારોના નામે ઓળખ આપતા તત્વો સહિત કુલ ૧૨ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી છે.
હિડન કેમેરાથી ઉતાર્યો અંગત પળોનો વીડિયો:
મળતી માહિતી મુજબ, સાધુ વાસવાણી રોડ પર આવેલ ગૌતમ ક્લિનિકમાં ફરજ બજાવતા આરોપી ડો. કમલ નાંઢાએ ફરિયાદી તબીબને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. ડો. કમલે ક્લિનિકમાં હિડન કેમેરો લગાવી ફરિયાદી ડોક્ટરના તેમની સ્ત્રી મિત્ર સાથેના અંગત પળોના વીડિયો ગુપ્ત રીતે ઉતારી લીધા હતા. આ વીડિયો ત્યારબાદ કહેવાતા પત્રકારો અને લેભાગુ તત્વોને બ્લેકમેઈલિંગ માટે પહોંચાડવામાં આવ્યા હતા.
ન્યૂઝ પોર્ટલના નામે બ્લેકમેઈલિંગ અને ખંડણીનો ખેલ:
આ વીડિયોના આધારે ‘સત્યની ગર્જના’, ‘ભારત ટાઈમ્સ’, ‘B 1 ન્યૂઝ’, ‘ભારત હેડલાઇન્સ’ અને ‘રાજકોટ હેડલાઇન્સ’ જેવા નામો હેઠળ કામ કરતા શખ્સોએ ડોક્ટરને ધમકાવવાનું શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયા અને વેબ પોર્ટલ પર સમાચાર પ્રસિદ્ધ કરવાની ધમકી આપી લાખોનો તોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસે ટેકનિકલ પુરાવા અને ફરિયાદીની રજૂઆતના આધારે આરોપીઓ વિરુદ્ધ આઈટી એક્ટ અને ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આરોપીઓની યાદી:
* ડો. કમલ નાંઢા (મુખ્ય સૂત્રધાર)
* હિરેન ભીખુભાઈ મકવાણા (સત્યની ગર્જના ન્યૂઝ)
* અજયસિંહ દોલુભા ચુડાસમા
* હાર્દિક નીતિનભાઈ ડોડીયા
* જગદીશ તેરૈયા (રાજકોટ હેડ લાઈન્સ)
* જીગર સોઢા (ભારત ટાઈમ્સ)
* ઘનશ્યામભાઈ પટેલ (ભારત ટાઈમ્સ)
* જતીન નથવાણી (ભારત ટાઈમ્સ)
* સ્વાતીબેન નથવાણી (જતીન નથવાણીના પત્ની)
* અમિત ઠક્કર (ભારત હેડલાઈન્સ)
* ભરતભાઈ (B-1 ન્યૂઝ)
* મોબાઇલ નંબર ૭૯૮૪૮-૪૩૩૪૭ અને ૮૧૨૮૬-૬૭૭૯૫ ના ધારકો
પોલીસ હાલમાં તમામ આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી રહી છે. આ ટોળકીએ અગાઉ અન્ય કોઈ વ્યક્તિઓને શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં પણ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
