<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ટ્રમ્પના 'વોર મશીન' પર સ્વિસ બ્રેક: "અમે તટસ્થ છીએ" કહીને સ્વિટ્ઝર્લેન્ડે અમેરિકાને હથિયારો આપવાની પાડી નાા

ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ટ્રમ્પ વહીવટીતંત્રને મોટો રાજદ્વારી ફટકો: સ્વિસ સરકારે શસ્ત્રોની નિકાસ પર લાદ્યો સંપૂર્ણ પ્રતિબંધ : પેન્ટાગોનની સપ્લાય ચેઇન ખોરવાઈ જવાની ભીતિ

વૈશ્વિક રાજકારણમાં પોતાની 'તટસ્થતા' માટે જાણીતા સ્વિટ્ઝર્લેન્ડે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના અમેરિકાને જોરદાર આંચકો આપ્યો છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે, સ્વિસ સરકારે લશ્કરી શસ્ત્રો અને સામગ્રીની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. સ્વિટ્ઝર્લેન્ડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ પોતાની વર્ષો જૂની તટસ્થતાની નીતિને વળગી રહેશે અને એવા કોઈ પણ દેશને શસ્ત્રો પૂરા પાડશે નહીં જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ હોય. આ નિર્ણયથી વોશિંગ્ટન અને ખાસ કરીને 'ડીલમેકર' ગણાતા ટ્રમ્પ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે, કારણ કે અમેરિકાની ઘણી સંરક્ષણ પ્રણાલીઓ સ્વિસ ટેકનોલોજી પર નિર્ભર છે.

આ નિર્ણય ટ્રમ્પ વહીવટીતંત્ર માટે એક મોટી રાજદ્વારી હાર સમાન છે. સ્વિટ્ઝર્લેન્ડે માત્ર પ્રતિબંધ જ નથી મૂક્યો, પરંતુ ભાવિ સંરક્ષણ સોદાઓ માટેના નવા લાયસન્સ આપવાનું પણ બંધ કરી દીધું છે. આ પગલાથી અમેરિકાની સપ્લાય ચેઇન કટોકટીમાં મુકાઈ શકે છે, કારણ કે પેન્ટાગોન ઘણા ઉચ્ચ-ટેક અને અત્યાધુનિક સંરક્ષણ સાધનો માટે સ્વિસ કંપનીઓ પર આધાર રાખે છે. સ્વિસ સરકારનું આ વલણ સાબિત કરે છે કે અમેરિકાની વર્તમાન યુદ્ધ નીતિઓને હવે વૈશ્વિક સ્તરે નૈતિક સમર્થન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ટ્રમ્પ જે રીતે ઈરાન સામે આક્રમક વલણ અપનાવી રહ્યા છે, તેનાથી સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોએ દૂરી રાખવાનું પસંદ કર્યું છે.

સ્વિટ્ઝર્લેન્ડના આ કડક વલણની અસર હવે અન્ય યુરોપિયન દેશો પર પણ પડી શકે છે. જો અન્ય EU દેશો પણ પોતાની તટસ્થતા જાળવવા માટે અમેરિકાથી લશ્કરી દૂરી બનાવવાનું શરૂ કરશે, તો ટ્રમ્પ માટે ઈરાન સાથેના યુદ્ધમાં ભંડોળ અને સાધન સામગ્રી ભેગી કરવી અશક્ય બની જશે. અહેવાલો મુજબ, ટ્રમ્પ પહેલાથી જ યુદ્ધ ભંડોળ માટે અમેરિકી સંસદમાં અપીલ કરી રહ્યા છે, જે સૂચવે છે કે યુદ્ધના કારણે અમેરિકાનો ખજાનો ખાલી થઈ રહ્યો છે. આ સંજોગોમાં સ્વિસ 'નો-વેપન્સ' ડીલ ટ્રમ્પની શાંતિ નિર્માતા તરીકેની છબીને પણ મોટું નુકસાન પહોંચાડી રહી છે. હવે જોવાનું એ રહેશે કે પ્રતિબંધોની ધમકી આપનારા ટ્રમ્પ સ્વિટ્ઝર્લેન્ડના આ નિર્ણયનો સામનો કેવી રીતે કરે છે.

(10:22 PM IST)