News of Saturday, 21st March 2026
ઇઝરાયલનો આરપારનો જંગ: 'આ અઠવાડિયે ઇરાન પર તૂટી પડશે : IDF-USના સંયુક્ત હુમલા થશે તેજ!'
સંઘર્ષના ૨૨મા દિવસે સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝની ગંભીર ચેતવણી: ઇરાની શાસન અને વ્યૂહાત્મક માળખાને નેસ્તનાબૂદ કરવા અમેરિકા સાથે મળીને લવાશે આર્થિક અને સૈન્ય સુનામી : યુદ્ધવિરામની આશા પર ફેરવાયું પાણી

તેલ અવીવ: મધ્ય પૂર્વમાં યુદ્ધના ૨૨મા દિવસે ઇઝરાયલે ઇરાન વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી આક્રમક રણનીતિની જાહેરાત કરી છે. ઇઝરાયલી સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે લશ્કરી અધિકારીઓ સાથેની બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે આ અઠવાડિયે IDF અને અમેરિકી સૈન્ય દળો સંયુક્ત રીતે ઇરાની શાસન અને તેના મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પહેલા કરતા વધુ ગતિએ પ્રહાર કરશે. કાત્ઝે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી ઇરાની કમાન્ડરોનો ખાતમો અને તેમની સૈન્ય ક્ષમતાઓ સંપૂર્ણપણે નબળી નહીં પડે ત્યાં સુધી ઇઝરાયલ શાંત બેસશે નહીં.
બીજી તરફ, ઇરાને પણ નમતું જોખવાનો ઇનકાર કરતા આ યુદ્ધને પોતાના પર લાદવામાં આવેલું ગણાવ્યું છે. ઇરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જાપાનની ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે હવે માત્ર કામચલાઉ યુદ્ધવિરામ પૂરતો નથી, પરંતુ આ સંઘર્ષનો કાયમી અંત આવવો જોઈએ. તેમણે અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓને ગેરકાયદેસર ગણાવતા કહ્યું કે ઇરાન સ્વ-બચાવમાં કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. અરાઘચીએ સ્પષ્ટ કર્યું કે તેઓ ભવિષ્ય માટે એવી ગેરંટી ઈચ્છે છે કે ફરી ક્યારેય ઇરાન પર આ પ્રકારે હુમલો કરવામાં આવશે નહીં.
યુદ્ધની જ્વાળાઓ હવે નાગરિક વિસ્તારો સુધી પહોંચી ગઈ છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપ તેજ બન્યા છે. ઇઝરાયલી સેનાએ એક વીડિયો જાહેર કરી દાવો કર્યો છે કે ઇરાની ક્લસ્ટર મિસાઇલ મધ્ય ઇઝરાયલના રિશોન લેઝિયન સ્થિત એક કિન્ડરગાર્ટન પર પડી હતી, જે ઇરાન દ્વારા નાગરિકોને નિશાન બનાવવાનું પ્રમાણ છે. જોકે, તેહરાને આ દાવાઓને ફગાવતા કહ્યું છે કે તેઓ માત્ર સૈન્ય લક્ષ્યો પર જ બદલો લઈ રહ્યા છે. આ ભયાનક તણાવ વચ્ચે સમગ્ર વિશ્વની નજર હવે આ અઠવાડિયે થનારા સંભવિત મોટા સૈન્ય ઓપરેશન પર ટકેલી છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
