<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

હવે પૈસા કાઢવા જેટલું જ સરળ બનશે ગેસ મેળવવું: ભારત પેટ્રોલિયમ લાવ્યું દેશનું પહેલું 'LPG ATM'!

ગુરુગ્રામમાં હાઈટેક સેવાનો પ્રારંભ: માત્ર ૩ મિનિટમાં ખાલી સિલિન્ડર આપો અને ભરેલું લઈ જાઓ : રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને OTP દ્વારા ગ્રાહકોને અછત વચ્ચે મળશે મોટી રાહત

ગુરુગ્રામ:  સમગ્ર દેશમાં જ્યારે મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ગેસ પુરવઠાની અનિશ્ચિતતા વર્તાઈ રહી છે, ત્યારે ભારત પેટ્રોલિયમે (ટેકનોલોજીના માધ્યમથી ગ્રાહકો માટે 'મેજિક બોક્સ' જેવી સેવા શરૂ કરી છે. હરિયાણાના ગુરુગ્રામમાં સેક્ટર ૩૩ ખાતે આવેલા સેન્ટ્રલ પાર્ક ફ્લાવર વેલીમાં દેશનું પ્રથમ 'LPG ATM' કાર્યરત કરવામાં આવ્યું છે. આ અનોખા એટીએમ મશીન દ્વારા ગ્રાહકોએ હવે ગેસ એજન્સીના ધક્કા ખાવાની કે ડિલિવરી બોયની રાહ જોવાની જરૂર નથી. માત્ર ૨ થી ૩ મિનિટની ડિજિટલ પ્રક્રિયા બાદ ગ્રાહક પોતાનું ખાલી સિલિન્ડર મશીનમાં મૂકીને તરત જ રિફિલ મેળવી શકે છે.

આ હાઈટેક સેવાનો લાભ લેવા માટે ગ્રાહકે પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એટીએમ મશીનમાં દાખલ કરવાનો રહેશે, ત્યારબાદ તેના પર એક OTP આવશે. વેરિફિકેશન પૂર્ણ થયા પછી, ગ્રાહકે પોતાના ખાલી સિલિન્ડરનું વજન કરાવીને નિર્ધારિત રકમની ઓનલાઇન ચુકવણી કરવાની રહેશે. પેમેન્ટ સક્સેસફુલ થતાની સાથે જ મશીનમાંથી આપોઆપ ૧૦ કિલોનું ભરેલું સિલિન્ડર બહાર આવશે. હાલમાં આ સુવિધા માત્ર ૧૦ કિલોના સ્માર્ટ કમ્પોઝિટ સિલિન્ડર ધરાવતા ભારત ગેસના ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે, જે પરંપરાગત ૧૪.૨ કિલોના લોખંડના સિલિન્ડર કરતા વજનમાં હળવા અને સુરક્ષિત છે.

ગુરુગ્રામમાં મળેલી આ સફળતા બાદ ભારત પેટ્રોલિયમ આ મોડેલને દેશના અન્ય મોટા શહેરોમાં પણ વિસ્તારવાની યોજના બનાવી રહ્યું છે. જોકે, હાલમાં જે ગ્રાહકો પાસે ૧૪.૨ કિલોના જૂના સિલિન્ડર છે, તેમણે આ એટીએમ સેવાનો લાભ લેવા માટે પોતાની ગેસ એજન્સીનો સંપર્ક કરી ૧૦ કિલોના સિલિન્ડરમાં કન્વર્ટ કરાવવું પડશે. એક તરફ વૈશ્વિક સ્તરે યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ અને ગેસના પુરવઠા પર દબાણ છે, ત્યારે આ પ્રકારના 'સેલ્ફ-સર્વિસ' એટીએમ શહેરી વિસ્તારોમાં ગેસ વિતરણ વ્યવસ્થામાં ક્રાંતિ લાવી શકે છે અને ગ્રાહકોનો કિંમતી સમય બચાવી શકે છે.

(7:05 PM IST)