<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

ઇન્સ્ટાગ્રામ યુઝર્સ સાવધાન! તમારા ખાનગી મેસેજ હવે સુરક્ષિત નહીં રહે: ૮ મેથી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ખતમ કરવાનો લેવાયો મોટો નિર્ણય

ડાયરેક્ટ મેસેજ (DM) ની ગુપ્તતા પર જોખમ; કંપની અને કાયદાકીય એજન્સીઓ હવે તમારી ચેટ વાંચી શકશે, સુરક્ષાના માપદંડોમાં ફેરફાર થતા ટેક-જગતમાં ભારે હોબાળો

નવી દિલ્હી: સોશિયલ મીડિયાની દુનિયામાં ફોટો અને રીલ્સ શેરિંગ માટે લોકપ્રિય બનેલું ઇન્સ્ટાગ્રામ હવે માત્ર મનોરંજનનું સાધન નથી રહ્યું, પરંતુ કરોડો લોકો માટે તે ચેટિંગનું મુખ્ય માધ્યમ બની ગયું છે. જોકે, ૮ મે ૨૦૨૬ થી ઇન્સ્ટાગ્રામના ડાયરેક્ટ મેસેજ (DM) માં એક ક્રાંતિકારી અને વિવાદાસ્પદ ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી જે 'એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન' તમારી ચેટને ખાનગી રાખતું હતું, તેને કંપની હવે હટાવવા જઈ રહી છે.
એન્ક્રિપ્શન હટવાથી શું ફેર પડશે?
અત્યાર સુધી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન એવી ટેકનોલોજી હતી જેમાં તમે કોઈને મેસેજ મોકલો તો તે એક ગુપ્ત કોડમાં ફેરવાઈ જતો હતો, જે ફક્ત મોકલનાર અને મેળવનાર જ વાંચી શકતા હતા. મેટા (Meta) કંપની પોતે પણ આ મેસેજ વાંચી શકતી નહોતી. પરંતુ ૮ મે પછી આ સુરક્ષા કવચ દૂર થઈ જશે. આનો અર્થ એ થયો કે જરૂર પડે ત્યારે કંપની તમારા મેસેજ એક્સેસ કરી શકશે અને તમારી ચેટ પરની સુરક્ષા પહેલા કરતા ઓછી થઈ જશે.
શા માટે લેવાયો આ નિર્ણય?
આ ફેરફાર પાછળ મુખ્યત્વે ત્રણ કારણો માનવામાં આવી રહ્યા છે. પ્રથમ, એન્ક્રિપ્ટેડ મેસેજિંગનો વપરાશ અપેક્ષા કરતા ઓછો હતો. બીજું, આ ટેકનોલોજી જાળવવાનો ખર્ચ ઘણો વધારે હતો. ત્રીજું અને સૌથી મહત્વનું કારણ એ છે કે, દુનિયાભરની કેટલીક સરકારો અને કાયદાકીય એજન્સીઓ સતત એવી માંગ કરી રહી હતી કે રાષ્ટ્રીય સુરક્ષા કે ગુનાખોરી ડામવા માટે જરૂર પડે ત્યારે મેસેજ એક્સેસ કરવાની સુવિધા હોવી જોઈએ.
યુઝર્સ માટે જોખમ અને સાવચેતી
આ ફેરફારથી ઇન્સ્ટાગ્રામના ઇન્ટરફેસમાં કોઈ દેખીતો ફેરફાર નહીં દેખાય, પરંતુ તેની અસર ગંભીર હશે. નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે કે હવેથી ઇન્સ્ટાગ્રામ DM માં કોઈ પણ ખાનગી દસ્તાવેજો, પાસવર્ડ કે સંવેદનશીલ માહિતી શેર કરવી જોખમી બની શકે છે. જે યુઝર્સ પોતાની પ્રાઇવસી જાળવવા માંગતા હોય તેમના માટે વોટ્સએપ (જેમાં ડિફોલ્ટ એન્ક્રિપ્શન છે), સિગ્નલ અથવા ટેલિગ્રામની સિક્રેટ ચેટ સુરક્ષિત વિકલ્પ બની શકે છે.

(12:22 AM IST)