<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

ટ્રમ્પનો 'પર્લ હાર્બર' પ્રહાર: જાપાની પીએમ સના તાકાઈચી સમસમી ગયા : ભારે બેઠકમાં મચ્યો હડકંપ

ઈરાન પરના અચાનક હુમલાને યોગ્ય ઠેરવવા ટ્રમ્પે જાપાનના ભૂતકાળના જખમ પર મીઠું ભભરાવ્યું: 80 વર્ષ જૂના ઈતિહાસનો ઉલ્લેખ કરી સાથી દેશને જાહેરમાં ક્ષોભજનક સ્થિતિમાં મૂકતા વૈશ્વિક વિવાદ

ટોક્યો:  શનિવારે વ્હાઇટ હાઉસમાં આયોજિત હાઈ-પ્રોફાઈલ સમિટમાં ત્યારે સન્નાટો છવાઈ ગયો જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનના વડા પ્રધાન સના તાકાઈચીની હાજરીમાં બીજા વિશ્વયુદ્ધના 'પર્લ હાર્બર' હુમલાનો ઉલ્લેખ કર્યો. ઈરાન સામે સાથી દેશોને જાણ કર્યા વિના શરૂ કરેલા યુદ્ધ અંગે જ્યારે એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો, ત્યારે ટ્રમ્પે અત્યંત આક્રમક અંદાજમાં વળતો પ્રહાર કરતા કહ્યું, "સરપ્રાઈઝ એટેક વિશે જાપાન કરતા વધુ સારું કોણ જાણી શકે? તમે મને પર્લ હાર્બર વિશે અગાઉથી કેમ નહોતું કહ્યું?" ટ્રમ્પના આ નિવેદનથી બાજુમાં બેઠેલા પીએમ તાકાઈચી પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને વાતાવરણમાં ભારે અસ્વસ્થતા ફેલાઈ ગઈ હતી.

જાપાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં પર્લ હાર્બરનો વિષય હંમેશા સંવેદનશીલ રહ્યો છે, જેની પર બંને દેશોના નેતાઓ જાહેરમાં બોલવાનું ટાળતા હોય છે. ટ્રમ્પના આ "બિનરાજદ્વારી" નિવેદને 80 વર્ષ જૂના જખમ ફરી તાજા કરી દીધા છે. જાપાનમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પીએમ તાકાઈચી પોતે એક કટ્ટર રૂઢિચુસ્ત નેતા છે અને જાપાનના સૈન્ય ગૌરવના સમર્થક છે. સોશિયલ મીડિયા પર લોકો ટ્રમ્પની આ ટિપ્પણીને સાથી દેશનું અપમાન ગણાવી રહ્યા છે, જ્યારે નિષ્ણાતો માને છે કે ટ્રમ્પે પોતાની મનસ્વી સૈન્ય કાર્યવાહીને બચાવવા માટે જાપાનને જાણી જોઈને જૂના ઈતિહાસમાં ખેંચ્યું છે.

આ આખી ઘટના છતાં, જાપાની પીએમ તાકાઈચીએ અસાધારણ સંયમ જાળવી રાખીને સીધો વિરોધ કરવાને બદલે મૌન રહીને સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જાપાન માટે અત્યારે અમેરિકાનું 'પરમાણુ છત્ર' અને સુરક્ષા કવચ અત્યંત મહત્વનું છે, ખાસ કરીને જ્યારે ચીન અને ઉત્તર કોરિયા જેવા પડોશીઓનો ખતરો વધી રહ્યો હોય. જોકે, આ બેઠક બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું ટ્રમ્પ સાથી દેશોને સમાન ભાગીદાર માને છે કે કેમ? આ વિવાદથી હોર્મુઝ સામુદ્રધુનીમાં ચાલી રહેલી લશ્કરી ગતિવિધિઓ અને જાપાનના અમેરિકા પ્રત્યેના વિશ્વાસ પર ગંભીર અસર પડી શકે છે.

(10:09 PM IST)