<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

નવી કાર બની ગઈ 'માથાનો દુખાવો': ૬૭ વખત બેટરી બદલાવી છતાં ફોલ્ટ ન પકડાયો, અંતે કોર્ટે કંપનીને ફટકાર્યો ૪ લાખનો દંડ

સર્વિસ સેન્ટરના ધક્કા ખાઈને કંટાળેલા કાર માલિકની મોટી જીત: મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ સાબિત ન થઈ હોવા છતાં 'સેવામાં ખામી' બદલ ગ્રાહક આયોગનો કડક આદેશ; ૪૫ દિવસમાં વળતર ચૂકવવા ફરમાન

ચંદીગઢ: ગાડી લેતી વખતે દરેક ગ્રાહક સુખદ સફરના સપના જોતો હોય છે, પરંતુ વર્ષ ૨૦૧૯માં એક શખ્સે ખરીદેલી નવી ડીઝલ ઓટોમેટિક કાર તેના માટે આફત બની ગઈ હતી. ખરીદીના માત્ર ૩૪ મહિનામાં જ કારમાં એવી વિચિત્ર ઈલેક્ટ્રિકલ સમસ્યા સર્જાઈ કે બેટરી વારંવાર આપમેળે ડિસ્ચાર્જ થઈ જતી હતી. નવાઈની વાત તો એ છે કે, આ સમસ્યાના ઉકેલ માટે સર્વિસ સેન્ટરે એક-બે વાર નહીં પણ પૂરી ૬૭ વખત બેટરી બદલી નાખી હતી, છતાં કાર રસ્તા વચ્ચે જ દગો દેતી રહી હતી.
કંપનીનો બચાવ અને ગ્રાહકની વેદના
જ્યારે આ મામલો ચંદીગઢ ગ્રાહક આયોગમાં પહોંચ્યો, ત્યારે કાર ઉત્પાદક કંપનીએ હાથ ઊંચા કરી દીધા હતા. કંપનીએ દલીલ કરી હતી કે કાર ૧૫,૦૦૦ કિલોમીટર ચાલી ચુકી છે, તેથી તેમાં કોઈ 'મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ' (ઉત્પાદન ખામી) નથી. કંપનીનું કહેવું હતું કે ગ્રાહક પાસે કોઈ ટેકનિકલ એક્સપર્ટના પુરાવા નથી. જોકે, ગ્રાહકે રજૂ કરેલા સર્વિસ સેન્ટરના અસંખ્ય બિલ અને મુલાકાતોના રેકોર્ડે કંપનીની પોલ ખોલી નાખી હતી.
ગ્રાહક આયોગનો ફટકાર અને વળતર
આયોગે ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ આપેલા ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું કે, ભલે ટેકનિકલ ખામી સાબિત ન થઈ હોય, પરંતુ વોરંટી પિરિયડમાં ગ્રાહકને ૬૭ વખત સર્વિસ સેન્ટરના ધક્કા ખવડાવવા એ 'સેવામાં ગંભીર ખામી' (Deficiency in Service) છે. આનાથી ગ્રાહકને જે માનસિક ત્રાસ અને અસુવિધા થઈ છે, તેની ભરપાઈ કંપની અને સર્વિસ સેન્ટરે સંયુક્ત રીતે કરવી પડશે.
૯ ટકા વ્યાજ સાથે ચૂકવણીનો આદેશ
કોર્ટે આદેશ આપ્યો છે કે ૪૫ દિવસની અંદર કાર માલિકને ૪ લાખ રૂપિયાનું વળતર અને કેસનો ખર્ચ ચૂકવવામાં આવે. જો કંપની નિર્ધારિત સમયમાં આ રકમ નહીં ચૂકવે, તો તેણે વાર્ષિક ૯ ટકાના દરે વ્યાજ પણ ચૂકવવું પડશે. આ નિર્ણયથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે જો નવી પ્રોડક્ટ વારંવાર પરેશાન કરતી હોય, તો ગ્રાહક ચૂપ બેસવાને બદલે કાયદાકીય રક્ષણ મેળવી શકે છે.

(10:15 PM IST)