હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારના રાજકારણમાં 'યુગ પરિવર્તન'ના સંકેત: ૨૦ વર્ષમાં પહેલીવાર ગાંધી મેદાનની ઈદ નમાજમાં નીતીશ કુમાર ગેરહાજર, પુત્ર નિશાંતે સંભાળ્યો મોરચો
રાજ્યસભામાં ગયા બાદ નીતીશજી દિલ્હી શિફ્ટ થવાની તૈયારીમાં? મુસ્લિમ સમુદાયનો વિશ્વાસ જીતવા પુત્રને મેદાનમાં ઉતાર્યો; જેડીયુના ભાવિ નેતૃત્વ અને બદલાતા રાજકીય સમીકરણોની જોરદાર ચર્ચા

પટના: બિહારના રાજકીય ઈતિહાસમાં આજે એક દાયકા જૂની પરંપરા તૂટતી જોવા મળી છે. છેલ્લા બે દાયકાથી પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં ઈદની સામૂહિક નમાજમાં હાજરી આપતા મુખ્યમંત્રી નીતીશ કુમાર આ વર્ષે ગેરહાજર રહ્યા હતા. ૨૦ વર્ષમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યારે નીતીશ કુમાર આ જાહેર મંચ પર પહોંચ્યા નથી. જોકે, તેમની ગેરહાજરી કરતા વધુ ચર્ચા તેમના પુત્ર નિશાંત કુમારની હાજરીની થઈ રહી છે, જેમને નીતીશ કુમારે પોતાના પ્રતિનિધિ તરીકે મેદાનમાં મોકલ્યા હતા.
પુત્ર નિશાંત કુમારનું 'રાજકીય લોન્ચિંગ'?
તાજેતરમાં જ જનતા દળ (યુનાઇટેડ) માં જોડાયેલા નિશાંત કુમારે મંત્રી અશોક ચૌધરી સાથે ગાંધી મેદાન પહોંચીને મુસ્લિમ બિરાદરો સાથે મુલાકાત કરી હતી. રાજકીય વિશ્લેષકો આ પગલાને નીતીશ કુમારની સુનિયોજિત રણનીતિ માની રહ્યા છે. નીતીશ કુમાર હવે રાજ્યસભામાં ચૂંટાયા બાદ રાષ્ટ્રીય રાજકારણ તરફ પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે બિહારમાં પક્ષની કમાન અને પોતાની રાજકીય વિરાસત પુત્રને સોંપવાના આ સ્પષ્ટ સંકેતો હોવાનું મનાય છે.
ખોવાયેલો વિશ્વાસ પાછો મેળવવાનો પ્રયાસ
વર્ષ ૨૦૨૨ માં ભાજપ સાથે સરકાર બનાવ્યા બાદ અને વક્ફ સુધારા કાયદાને સમર્થન આપ્યા પછી મુસ્લિમ સમુદાયમાં જેડીયુ પ્રત્યે નારાજગી જોવા મળી હતી. પક્ષના ઘણા મુસ્લિમ નેતાઓએ રાજીનામા પણ આપ્યા હતા. આવી સ્થિતિમાં, નિશાંત કુમારને ગાંધી મેદાન મોકલીને નીતીશ કુમારે મુસ્લિમ મતદારોને એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે તેમનો પરિવાર આ સમુદાય સાથે હંમેશા જોડાયેલો રહેશે. જેડીયુના વરિષ્ઠ નેતાઓના મતે, આ એક 'માસ્ટરસ્ટ્રોક' છે જે આવનારા દિવસોમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તન લાવશે.
મુખ્યમંત્રીની આધ્યાત્મિક મુલાકાતો
ગાંધી મેદાન ન જવા છતાં નીતીશ કુમારે અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. તેઓ પટનાના મિત્તન ઘાટ ખાતે તકિયા શરીફ અને ખાનકાહ બરગાહ-એ-ઈશ્ક પહોંચ્યા હતા. ત્યાં તેમણે આધ્યાત્મિક વડાઓના આશીર્વાદ લીધા અને રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સોશિયલ મીડિયા પર પણ તેમણે તમામ મુસ્લિમ ભાઈ-બહેનોને ઈદની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
બંધ બારણે બેઠકોનો દોર
ગાંધી મેદાનમાં લોકોનું અભિવાદન ઝીલ્યા બાદ નિશાંત કુમાર સીધા કેન્દ્રીય મંત્રી લાલન સિંહના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં લાંબી બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ મુલાકાતથી બિહારના રાજકીય ગલિયારાઓમાં એવી અટકળો તેજ થઈ છે કે શું ટૂંક સમયમાં બિહારના મુખ્યમંત્રી પદ પર કોઈ મોટો ફેરફાર જોવા મળશે? નીતીશ કુમારનું દિલ્હી ગમન અને નિશાંત કુમારનો વધતો પ્રભાવ બિહારના રાજકારણમાં નવા પ્રકરણની શરૂઆત તરફ ઈશારો કરી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
