<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

ભારત અમેરિકાનું 'ગુલામ' બની રહ્યું છે? પિનરાઈ વિજયનનો કેન્દ્ર પર આકરો પ્રહાર, વિદેશ નીતિ મામલે છેડાયો નવો વિવાદ

કેરળના મુખ્યમંત્રીએ દિલ્હીની સત્તાધારી અને વિપક્ષી બંને પાર્ટીઓ પર સામ્રાજ્યવાદ સામે ઘૂંટણ ટેકવવાનો લગાવ્યો ગંભીર આરોપ: રશિયા પાસેથી તેલ ખરીદીમાં અમેરિકાની સંમતિને ભારતની સાર્વભૌમત્વ માટે અપમાનજનક ગણાવી

તિરુવનંતપુરમ:કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દ્વારા કેન્દ્રની વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોને લઈને કરવામાં આવેલા વિસ્ફોટક નિવેદને દેશના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. ANI ને આપેલા એક ઈન્ટરવ્યુમાં વિજયને અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું કે, ભારત હવે અમેરિકાના એક 'દાસ' જેવું વર્તન કરી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભારત એક સમયે વૈશ્વિક સ્તરે સામ્રાજ્યવાદ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં અગ્રેસર હતું, પરંતુ વર્તમાનમાં કેન્દ્ર સરકારે અમેરિકન નીતિઓ સામે શરણાગતિ સ્વીકારી લીધી છે. વિજયનના મતે, આ વલણને કારણે વૈશ્વિક મંચ પર ભારતની સાર્વભૌમત્વ નબળી પડી છે અને દેશ એક અપમાનજનક સ્થિતિમાં મુકાઈ ગયો છે.

ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં વાત કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ભારતની આ પડતીની શરૂઆત કોંગ્રેસના શાસનકાળમાં થઈ હતી. તેમણે પી.વી. નરસિંહ રાવના કાર્યકાળને યાદ કરતા કહ્યું કે, તે સમયે વૈશ્વિકરણની નીતિઓ અને ઇઝરાયેલને માન્યતા આપવાના નિર્ણયોથી ભારત સામ્રાજ્યવાદી તાકાતોની નજીક ગયું હતું. ત્યારબાદ યુપીએ સરકાર દરમિયાન થયેલા ભારત-અમેરિકા પરમાણુ કરારને તેમણે દેશના હિતો સાથેની સમજૂતી ગણાવી હતી. વિજયને દાવો કર્યો કે ભાજપ અત્યારે એ જ જૂની કોંગ્રેસી નીતિઓને વધુ આક્રમક રીતે આગળ વધારી રહી છે, જેના કારણે ભારતની સ્વતંત્ર વિદેશ નીતિનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.

રશિયા પાસેથી તેલની ખરીદીના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરતા પિનરાઈ વિજયને તીખા પ્રશ્નો કર્યા હતા. તેમણે કહ્યું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે તેમાં અમેરિકાની મંજૂરી કે સંમતિની જરૂર જ કેમ હોવી જોઈએ? "શું આપણે એક સાર્વભૌમ રાષ્ટ્ર નથી?" તેવો વેધક સવાલ કરતા તેમણે ઉમેર્યું કે, જ્યારે અમેરિકા પરવાનગી આપે ત્યારે ભારત સરકાર તેને મોટી ઉદારતા માનીને સ્વીકારે છે, જે હકીકતમાં ભારતની લાચારી દર્શાવે છે. તેમણે કેન્દ્ર સરકાર પર હિંમતના અભાવનો આરોપ લગાવતા કહ્યું કે, પોતાની જરૂરિયાતો માટે બીજા દેશોની પરવાનગી લેવી એ ભારત જેવા મહાન રાષ્ટ્ર માટે શોભનીય નથી.

આગામી 2026ની કેરળ વિધાનસભા ચૂંટણીઓ પહેલા પિનરાઈ વિજયનનું આ નિવેદન અત્યંત સૂચક માનવામાં આવે છે. તેમણે કોંગ્રેસ અને ભાજપ બંનેને એક જ સિક્કાની બે બાજુ ગણાવીને કેરળના મતદારોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે રાષ્ટ્રીય હિતોની રક્ષામાં બંને પક્ષો નિષ્ફળ રહ્યા છે. વિજયને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો અત્યારે સામ્રાજ્યવાદી તાકાતો સામે અવાજ ઉઠાવવામાં નહીં આવે, તો દેશનું ભવિષ્ય અંધકારમય બની શકે છે. આ નિવેદન બાદ હવે કેન્દ્ર સરકાર અને ભાજપ તરફથી કેવો વળતો પ્રહાર આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

(11:18 PM IST)