હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડોનાલ્ડ ટ્રમ્પનો નાટો દેશો પર પ્રચંડ પ્રહાર: સહયોગી દેશોને 'કાગળના વાઘ' અને 'કાયર' ગણાવતા ખળભળાટ, ઈરાન યુદ્ધમાં સાથ ન મળતા રાષ્ટ્રપતિ લાલઘૂમ
હોર્મુઝની સામુદ્રધુનીમાં યુદ્ધ જહાજો મોકલવાનો ઈનકાર કરતા ટ્રમ્પનો પિત્તો ગયો; 'અમેરિકા વિના નાટોનું કોઈ અસ્તિત્વ નથી' કહીને મિત્ર દેશોનું કર્યું અપમાન, પશ્ચિમી દેશો સાથેના સંબંધોમાં અત્યાર સુધીની સૌથી મોટી તિરાડ

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના દાયકાઓ જૂના સાથી દેશો એટલે કે નાટો (NATO) વચ્ચે અત્યારે આરપારની જંગ છેડાઈ છે. ઈરાન સાથે ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે જ્યારે ટ્રમ્પે નાટો દેશોને હોર્મુઝની સામુદ્રધુનીમાં પોતાના યુદ્ધ જહાજો મોકલવા આદેશ આપ્યો, ત્યારે સાથી દેશોએ પીછેહઠ કરી લીધી છે. આનાથી ઉશ્કેરાયેલા ટ્રમ્પે સોશિયલ મીડિયા પર નાટોને 'કાગળના વાઘ' અને 'કાયર' કહીને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
'અમને કોઈની જરૂર નથી' - ટ્રમ્પનો અહંકાર
વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે અત્યંત આકરા તેવરમાં જણાવ્યું હતું કે, "અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે અને આપણી સેના કોઈ પણ પડકારને પહોંચી વળવા સક્ષમ છે. અમને કોઈની મદદની જરૂર નથી." તેમણે એમ પણ ઉમેર્યું કે બ્રિટન જેવા દેશો જ્યારે મદદની ઓફર કરે છે ત્યારે પણ મેં તેમને ના પાડી દીધી છે. ટ્રમ્પનો દાવો છે કે અમેરિકા નાટોના સંરક્ષણ પાછળ અબજો ડોલર ખર્ચે છે, છતાં જ્યારે જરૂર પડી ત્યારે આ દેશો મદદ કરવાને બદલે તેલના ભાવનું બહાનું કાઢી રહ્યા છે.
સલાહ વગર શરૂ કરેલા યુદ્ધમાં સાથીઓ કેમ જોડાય?
બીજી તરફ, યુરોપિયન દેશોનો તર્ક છે કે ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન સામે યુદ્ધ શરૂ કરતા પહેલા ટ્રમ્પે કોઈ પણ સાથી દેશની સલાહ લીધી નહોતી. પોતાની મરજીથી શરૂ કરેલા આ લોહિયાળ જંગમાં હવે જ્યારે અમેરિકી સૈનિકોના મોત થઈ રહ્યા છે અને લશ્કરી થાણાઓ પર હુમલા વધી રહ્યા છે, ત્યારે ટ્રમ્પને નાટો યાદ આવ્યું છે. બ્રિટન, ફ્રાન્સ અને જર્મની જેવા દેશો ઈરાન સાથે સીધો મુકાબલો ટાળવા માંગે છે અને તેઓ મુત્સદ્દીગીરી દ્વારા હોર્મુઝમાં સુરક્ષિત કોરિડોર બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
નાટોને 'પાઠ' ભણાવવાની તૈયારી?
ટ્રમ્પના આ કડવા વેણથી દાયકાઓ જૂની મિત્રતામાં ભંગાણ પડ્યું છે. ટ્રમ્પે અત્યાર સુધીમાં કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવાની ધમકી આપી છે અને યુરોપિયન દેશો પર ભારે ટેરિફ લાદીને તેમની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડ્યું છે. જાણકારોનું માનવું છે કે ઈરાન યુદ્ધ પૂરું થયા બાદ ટ્રમ્પ નાટો દેશોને 'પાઠ' ભણાવવા માટે કોઈ મોટો અને આકરો નિર્ણય લઈ શકે છે. અત્યારે તો સ્થિતિ એવી છે કે અમેરિકાના મિત્રો અસુરક્ષિત અનુભવી રહ્યા છે અને રશિયા જેવા દુશ્મનો વધુ મજબૂત બની રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
