<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

ઈઝરાયલના અભેદ્ય 'આયર્ન ડોમ'માં ગાબડું: ઈરાની મિસાઈલોએ પરમાણુ શહેર ડિમોના અને અરાદમાં મચાવી ભારે તબાહી

વિશ્વની સૌથી અત્યાધુનિક ગણાતી એર ડિફેન્સ સિસ્ટમને છેતરીને બેલિસ્ટિક મિસાઈલો રહેણાંક વિસ્તારો પર ત્રાટકી; ૧૦૦થી વધુ લોકો ઘાયલ અને અનેક ઈમારતો જમીનદોસ્ત, ઈઝરાયલના પરમાણુ સંશોધન કેન્દ્રને નિશાન બનાવી ઈરાને લીધો 'પરમાણુ બદલો' અને નેતન્યાહૂએ દુશ્મનોને જડબાતોડ જવાબ આપવાની ઉચ્ચારી ગંભીર ચેતવણી

જેરૂસલેમ: વિશ્વભરમાં જેની મજબૂતીના ગુણગાન ગવાય છે તે ઈઝરાયલની 'આયર્ન ડોમ' હવાઈ સંરક્ષણ પ્રણાલી સામે ઈરાને મોટા પ્રશ્નાર્થચિહ્નો ઉભા કરી દીધા છે. ગઈકાલે રાત્રે ઈરાન દ્વારા કરવામાં આવેલા ભીષણ મિસાઈલ હુમલામાં દક્ષિણ ઈઝરાયલના બે મહત્વના શહેરો ડિમોના અને અરાદ લોહીલુહાણ થયા છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ઈઝરાયલની રક્ષણાત્મક ઢાલ કોઈ પણ ડ્રોન કે મિસાઈલને હવામાં જ નષ્ટ કરી શકે છે, પરંતુ ઈરાની બેલિસ્ટિક મિસાઈલો આ સુરક્ષા કવચને તોડીને સીધી જમીન પર અથડાઈ હતી. આ હુમલાએ ઈઝરાયલની સૈન્ય વ્યૂહરચના અને સંરક્ષણ ક્ષમતા પર ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે.

હુમલાનું સૌથી ભયાનક દ્રશ્ય ડિમોનામાં જોવા મળ્યું હતું, જ્યાં ઈઝરાયલનું અત્યંત સંવેદનશીલ પરમાણુ સંશોધન કેન્દ્ર આવેલું છે. ઈરાની મીડિયાના દાવા મુજબ, આ હુમલાનો મુખ્ય હેતુ ઈઝરાયલની પરમાણુ સુવિધાઓને નષ્ટ કરવાનો હતો. આ હુમલામાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં શ્રાપનલ વાગવાથી ૧૨ વર્ષનો એક કિશોર ગંભીર રીતે ઘાયલ થયો છે. ડિમોનામાં થયેલા વિસ્ફોટો એટલા પ્રચંડ હતા કે આસપાસના કિલોમીટરો સુધીના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મેગેન ડેવિડ એડોમ ઇમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે ઘાયલો પૈકી અનેકની હાલત નાજુક છે અને તેઓને બીરશેબાના સોરોકા મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

ડિમોના બાદ ઈરાની મિસાઈલોએ નજીકના અરાદ શહેરને પણ નિશાન બનાવ્યું હતું. અરાદમાં થયેલા મિસાઈલ પ્રહારમાં અનેક રહેણાંક ઈમારતોને વ્યાપક નુકસાન થયું છે અને ૭૧ જેટલા લોકો હોસ્પિટલ ભેગા થયા છે. જેમાં ૫ વર્ષની એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાનું સામે આવ્યું છે. ઈઝરાયલી સુરક્ષા દળોએ સ્વીકાર્યું છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમ ઓછામાં ઓછી બે શક્તિશાળી બેલિસ્ટિક મિસાઈલોને રોકવામાં નિષ્ફળ રહી હતી. ઘટનાસ્થળે ચારેબાજુ કાચના ટુકડા અને કાટમાળના ઢગલા જોવા મળ્યા હતા, જે હુમલાની ભયાનકતાની સાક્ષી પૂરે છે.

આ હુમલા બાદ ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે અને ડિફેન્સ ચીફ ઈયાલ ઝમીરે સ્પષ્ટ કર્યું છે કે આ ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં અને ઈઝરાયલ તમામ મોરચે તેના દુશ્મનો સામે લડવાનું ચાલુ રાખશે. અમેરિકા અને ઈઝરાયલ લાંબા સમયથી ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ મિસાઈલ હુમલાને ઈરાન તરફથી સીધા પડકાર અને બદલા તરીકે જોવામાં આવે છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા આ તણાવને કારણે હવે વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હોવાની દહેશત વર્તાઈ રહી છે.

(12:04 PM IST)