હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"મોદીજી, સામાન પેક કરો અને ચાલ્યા જાઓ": રૂપિયાના ઐતિહાસિક કડાકા મુદ્દે સંજય રાઉતનો પીએમ પર તીખો પ્રહાર
ડોલર સામે રૂપિયો ૧૦૦ને પાર કરી જશે પણ વડાપ્રધાન પ્રચારમાં વ્યસ્ત છે; શિવસેના (UBT) નેતાએ અર્થતંત્રના ધબડકા મુદ્દે સરકારની વિશ્વસનીયતા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, પશ્ચિમ બંગાળમાં મમતા સરકારને હટાવવા રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર રચાતું હોવાનો રાઉતનો સનસનાટીભર્યો આરોપ અને ચૂંટણી પંચની ભૂમિકા સામે પણ વ્યક્ત કરી નારાજગી

મુંબઈ: શિવસેના (UBT) ના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉતે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં રાઉતે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં થઈ રહેલા સતત ઘટાડાને લઈને પીએમ મોદીને સીધો પડકાર ફેંકતા કહ્યું કે, "મોદીજી, હવે તમારો સામાન પેક કરવાનો સમય આવી ગયો છે, તમે દેશનું નેતૃત્વ કરવા સક્ષમ નથી." રાઉતે દાવો કર્યો હતો કે દેશનું અર્થતંત્ર અત્યારે ડગમગી રહ્યું છે અને રૂપિયો ૧૦૦ ના આંકડાને પાર કરી જવાની અણી પર છે, તેમ છતાં સરકારના શિલ્પીઓ અને નાણામંત્રી મૌન સેવીને બેઠા છે.
સંજય રાઉતે પીએમ મોદીના જૂના નિવેદનો યાદ અપાવતા કટાક્ષ કર્યો હતો કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓ કહેતા હતા કે જ્યારે રૂપિયો ઘટે છે ત્યારે દેશની વિશ્વસનીયતા ઘટે છે. આજે જ્યારે રૂપિયો દરરોજ નવા તળિયા બનાવી રહ્યો છે, ત્યારે પીએમ મોદી દેશની અર્થવ્યવસ્થાની ચિંતા કરવાને બદલે પ્રચારમાં વધુ વ્યસ્ત દેખાઈ રહ્યા છે. રાઉતે આરોપ લગાવ્યો કે મોદી શાસનમાં દેશનું આર્થિક માળખું ખોરવાઈ ગયું છે અને સામાન્ય જનતા મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહી છે, પરંતુ સત્તાધારી પક્ષ માત્ર સત્તા ટકાવી રાખવાના ખેલમાં જ રચ્યોપચ્યો છે.
આર્થિક મુદ્દાઓની સાથે સંજય રાઉતે પશ્ચિમ બંગાળના રાજકારણ અંગે પણ સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે પીએમ મોદી અને અમિત શાહ મમતા બેનર્જીની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને પછાડવા માટે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની તૈયારી કરી રહ્યા છે. રાઉતે ચૂંટણી પંચની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે બંગાળના વહીવટમાં બહારના અધિકારીઓ લાવીને સીધી દખલગીરી કરવામાં આવી રહી છે, જે લોકશાહી માટે ખતરો છે. મમતા બેનર્જીનો ગુસ્સો વ્યાજબી છે કારણ કે કેન્દ્ર સરકાર બંગાળમાં અઘોષિત કટોકટી જેવી સ્થિતિ પેદા કરી રહી છે.
સંજય રાઉતના આ નિવેદનો બાદ રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. બીજી તરફ સંજય નિરૂપમે શિવસેના (UBT) પર વળતો હુમલો કરતા આ વલણને 'જયચંડી' માનસિકતા ગણાવી હતી અને કહ્યું હતું કે આ જ કારણોસર આખો પક્ષ રાઉતના હાથમાંથી સરકી રહ્યો છે. જોકે, રાઉતે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અર્થતંત્રની સ્થિતિ સુધરશે નહીં અને વિપક્ષી સરકારો પર થતા હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે. હાલમાં તો રૂપિયાનો કડાકો અને બંગાળની રણનીતિએ દિલ્હીથી મુંબઈ સુધીના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
