News of Sunday, 22nd March 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધની ભયંકર અસર: ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય રૂપિયો ગગડીને ડોલર સામે ૯૪ ના સ્તરને પાર, છેલ્લા ચાર વર્ષનો સૌથી મોટો કડાકો
ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીને કારણે રૂપિયો ઐતિહાસિક તળિયે: આરબીઆઇ (રિઝર્વ બેંક) ના હસ્તક્ષેપ છતાં ચિંતાજનક સ્થિતિ

મુંબઈપશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન દ્વારા એનર્જી સેક્ટર પરના હુમલાને કારણે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ૧૦૮ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. આ વૈશ્વિક કટોકટી અને સતત વિદેશી ભંડોળ પાછું ખેંચાવાને કારણે, ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે ઐતિહાસિક ઘટાડા સાથે ૯૪ ના આંકડાને પાર કરી ગયો છે.
પશ્ચિમ એશિયામાં યુદ્ધની વકરતી પરિસ્થિતિ અને ઈરાન દ્વારા ઊર્જા મથકો પર કરાયેલા હુમલાની સીધી અને ગંભીર અસર ભારતીય અર્થતંત્ર પર જોવા મળી રહી છે. શુક્રવારે ભારતીય ચલણ રૂપિયામાં છેલ્લા ચાર વર્ષનો સૌથી મોટો સિંગલ-ડે કડાકો જોવા મળ્યો હતો. શુક્રવારે રૂપિયો ૧૦૮ પૈસા તૂટીને ૯૩.૭૧ ની વિક્રમી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે સપ્તાહના અંતે, ૨૨ માર્ચ ૨૦૨૬ ના રોજ આંતરરાષ્ટ્રીય કરન્સી કન્વર્ટર પ્લેટફોર્મ્સ પર એક યુએસ ડોલરની કિંમત ૯૪.૦૧ રૂપિયા નોંધાઈ છે. આ ઇતિહાસમાં પ્રથમ વખત છે જ્યારે રૂપિયો ૯૪ ના સ્તરને પાર કરી ગયો છે.
આ ઐતિહાસિક ઘટાડા પાછળ મુખ્ય બે કારણો છે: પહેલું, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાની ભીતિ અને ક્રૂડ ઓઇલના ભાવ બેરલ દીઠ ૧૦૮ ડોલરને પાર થવા. બીજું, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા ભારતીય શેરબજારમાંથી સતત ફંડ પાછું ખેંચી લેવું. એકલા ગુરુવારે જ વિદેશી રોકાણકારોએ ૭,૫૫૮ કરોડ રૂપિયાની ઇક્વિટી વેચી હતી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા રૂપિયાને વધુ ગગડતો અટકાવવા ડોલરનું વેચાણ કરીને બજારમાં દરમિયાનગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તેની અસર મર્યાદિત દેખાઈ રહી છે. આર્થિક નિષ્ણાતોના મતે, જો ક્રૂડ ઓઈલના ભાવ સતત ઊંચા રહેશે તો આગામી દિવસોમાં રૂપિયો વધુ નબળો પડી શકે છે, જે ભારતના આયાત બિલ અને મોંઘવારીમાં મોટો વધારો કરશે. *
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
