હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ક્યુબામાં અંધારપટ: પાવર ગ્રીડના ધબડકા પાછળ ટ્રમ્પની 'ઓઇલ ડિપ્લોમસી' જવાબદાર? 11 મિલિયન લોકો નરકાગારમાં
કેરેબિયન ટાપુ પર ઉર્જા કટોકટીનો પ્રચંડ વિસ્ફોટ: કામાગુએ પ્લાન્ટની નિષ્ફળતાએ આખા દેશને અંધારામાં ધકેલ્યો, અમેરિકી પ્રતિબંધો અને તેલના અભાવે ક્યુબાની મડાગાંઠ વધુ જટિલ બની

નવી દિલ્હી: ક્યુબામાં ઉર્જા સંકટે માઝા મૂકી છે. શનિવારે આખા દેશની પાવર ગ્રીડ પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા અંદાજે 1.10 કરોડ લોકો અંધકારમય સ્થિતિમાં મુકાયા છે. માર્ચ મહિનામાં જ આ ત્રીજી વખત છે જ્યારે આખા ટાપુ રાષ્ટ્રે સંપૂર્ણ બ્લેકઆઉટનો સામનો કરવો પડ્યો હોય. ક્યુબન ઇલેક્ટ્રિક યુનિયન (UNE) એ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે કામાગુએ પ્રાન્ટમાં આવેલા ન્યુવિટાસ થર્મોઇલેક્ટ્રિક યુનિટમાં અચાનક આવેલી ટેકનિકલ ખામીને કારણે સમગ્ર ગ્રીડ ફેલ થઈ ગઈ છે. હોસ્પિટલો અને કટોકટીના કેન્દ્રોમાં મશીનો ચાલુ રાખવા માટે માઇક્રો-જનરેટર્સનો આશરો લેવામાં આવી રહ્યો છે, પરંતુ સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.
આ ભયાનક સ્થિતિ પાછળ ભૌગોલિક રાજનીતિના પતરાં પણ જવાબદાર હોવાનું મનાય છે. પ્રમુખ મિગુએલ ડિયાઝ-કેનેલે સ્પષ્ટ કર્યું છે કે છેલ્લા ત્રણ મહિનાથી દેશમાં વિદેશી સપ્લાયર્સ પાસેથી તેલ મળતું બંધ થયું છે. ક્યુબા પોતાની જરૂરિયાતના માત્ર 40% ઇંધણનું ઉત્પાદન કરે છે, બાકીના માટે તે આયાત પર નિર્ભર છે. આ સંકટમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકા અત્યંત મહત્વની બની રહી છે. ટ્રમ્પે તાજેતરમાં જ ક્યુબાને તેલ વેચનારા દેશો પર ભારે ટેરિફ લાદવાની ધમકી આપી હતી, જેના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાયર્સ ક્યુબાથી અંતર જાળવી રહ્યા છે.
ટ્રમ્પ વહીવટીતંત્રની કડક શરતોએ ક્યુબાની સરકારને ભીંસમાં લીધી છે. અમેરિકાની માંગ છે કે ક્યુબા રાજકીય કેદીઓને મુક્ત કરે અને આર્થિક ઉદારીકરણ તરફ આગળ વધે. બીજી તરફ, ક્યુબાના પરંપરાગત મિત્ર ગણાતા વેનેઝુએલામાં સત્તા પરિવર્તન થતાં ત્યાંથી આવતો તેલનો પ્રવાહ પણ અટકી ગયો છે. ટ્રમ્પના નિવેદનોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે, જેમાં તેમણે ક્યુબા પર 'મૈત્રીપૂર્ણ કબજા'ની શક્યતા વ્યક્ત કરી છે. ટ્રમ્પનું માનવું છે કે ક્યુબાની સરકાર પતનની આરે છે અને આ આર્થિક નાકાબંધી તેમને ઝુકાવવા માટે પૂરતી છે.
દેશવ્યાપી બ્લેકઆઉટની અસર હવે લોકોના રસોડા અને હોસ્પિટલના ઓપરેશન થિયેટરો સુધી પહોંચી છે. વીજળીના અભાવે પાણી પુરવઠો ખોરવાયો છે અને રેફ્રિજરેટરમાં રાખેલો ખોરાક બગડી રહ્યો છે. હવાના જેવા મોટા શહેરોમાં લોકો વીજળી વગર રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. દરરોજ 12-12 કલાક સુધીના પાવર કટને કારણે ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓનું કામકાજ પ્રભાવિત થયું છે. આ માત્ર ઉર્જા સંકટ નથી, પરંતુ ક્યુબાના અસ્તિત્વ સામેનો સૌથી મોટો પડકાર બની ગયો છે, જ્યાં એક તરફ જર્જરિત માળખું છે અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે વધતું જતું એકલવાયાપણું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
