હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જમ્મુ યુનિવર્સિટીમાં 'જિન્નાહ'ના નામે જંગ: અભ્યાસક્રમમાં લઘુમતીઓના નેતા તરીકે ઉલ્લેખ થતા ઉગ્ર વિરોધ, તપાસ સમિતિની રચના
રાજકીય વિજ્ઞાનના અભ્યાસક્રમમાં પાકિસ્તાનના સ્થાપકનો મહિમામંડન કરવાનો આક્ષેપ: એબીવીપીએ જિન્નાહને બદલે આંબેડકર કે સરહદી ગાંધીને સ્થાન આપવાની માંગ કરી, કેમ્પસમાં વિવાદ વકરતા વાઇસ ચાન્સેલર એક્શન મોડમાં

જમ્મુ:જમ્મુ યુનિવર્સિટીના એમએ પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાં પાકિસ્તાનના સ્થાપક મુહમ્મદ અલી જિન્નાહને "લઘુમતીઓના નેતા" તરીકે દર્શાવવામાં આવતા મોટો વિવાદ છેડાયો છે. આ મામલે વિદ્યાર્થી સંગઠનો અને શિક્ષણવિદો વચ્ચેના મતભેદો સપાટી પર આવતા યુનિવર્સિટી કેમ્પસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. વિવાદની ગંભીરતાને ધ્યાને લેતા વાઇસ ચાન્સેલર ઉમેશ રાયે તાત્કાલિક અસરથી તપાસ સમિતિની રચના કરી છે. ભૌતિકશાસ્ત્ર વિભાગના વરિષ્ઠ પ્રોફેસર નરેશ પાઢાની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિ હવે પોલિટિકલ સાયન્સના વિવાદાસ્પદ પ્રકરણની સમીક્ષા કરશે અને વિદ્યાર્થીઓની ચિંતાઓનું નિરાકરણ લાવવા અહેવાલ રજૂ કરશે.
એબીવીપી (ABVP) દ્વારા આ મામલે આક્રમક વલણ અપનાવતા જમ્મુ-કાશ્મીર રાજ્ય સચિવ સન્નક શ્રીવત્સે જણાવ્યું હતું કે, અગાઉ જિન્નાહનો ઉલ્લેખ માત્ર 'દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત' અને ભારતના ભાગલા પાછળના જવાબદાર પરિબળ તરીકે કરવામાં આવતો હતો, જે ઐતિહાસિક રીતે સ્વીકાર્ય છે. પરંતુ હવે નવા અભ્યાસક્રમમાં "લઘુમતીઓ અને રાષ્ટ્ર" નામના પ્રકરણમાં તેમને ભારતના લઘુમતીઓના નેતા તરીકે ચિતરવામાં આવ્યા છે, જે અત્યંત વાંધાજનક છે. સંગઠનની માંગ છે કે જો ખરેખર લઘુમતીઓના અધિકારો માટે લડનારા નેતાઓ વિશે ભણાવવું હોય, તો ડો. બી.આર. આંબેડકર અથવા 'સરહદી ગાંધી' તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફ્ફાર ખાન જેવા મહાનુભાવોનો સમાવેશ કરવો જોઈએ.
બીજી તરફ, યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાન વિભાગના વડા બલજીત સિંહ માનએ આ વિવાદને બિનજરૂરી ગણાવતા અભ્યાસક્રમનો બચાવ કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જિન્નાહ અને અન્ય રાજકીય વિચારકોનો અભ્યાસક્રમમાં સમાવેશ શુદ્ધ શૈક્ષણિક હેતુથી કરવામાં આવ્યો છે. આ બાબત યુજીસી (UGC) ના ધોરણો અને દેશની અન્ય નામાંકિત યુનિવર્સિટીઓના માળખા સાથે સુસંગત છે. યુનિવર્સિટી કોઈ પણ ખાસ વિચારધારાને પ્રોત્સાહન આપતી નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચારધારા કેળવાય તે હેતુથી વિવિધ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. વિભાગના મતે શૈક્ષણિક મુદ્દા પર રાજકીય રંગ ચઢાવવો યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે જમ્મુ યુનિવર્સિટીનો રાજકીય વિજ્ઞાન વિભાગ અગાઉ પણ વિવાદોના વમળમાં ફસાઈ ચૂક્યો છે. વર્ષ ૨૦૧૮ માં એક પ્રોફેસર દ્વારા અમર શહીદ ભગતસિંહને 'આતંકવાદી' ગણાવતો વીડિયો વાયરલ થયો હતો, જેના પગલે ભારે હોબાળો થયો હતો અને પ્રોફેસરને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. આ જૂના કિસ્સાને યાદ કરીને અત્યારે ફરી એકવાર દેશપ્રેમ અને ઇતિહાસના તથ્યો સાથે ચેડાં થતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પ્રોફેસર નરેશ પાઢાની સમિતિ જિન્નાહ પરના આ પ્રકરણને યથાવત રાખે છે કે પછી વિરોધને પગલે તેમાં ફેરફાર કરવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
