<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

મખાડી દેશોમાં 'પાણી યુદ્ધ'ના ભણકારા: ટ્રમ્પના ૪૮ કલાકના અલ્ટીમેટમ સામે ઈરાને ડિસેલિનેશન પ્લાન્ટ્સ ઉડાવી દેવાની આપી ધમકી

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા મુદ્દે અમેરિકા અને ઈરાન વચ્ચે આરપારની લડાઈ: સાઉદી અરેબિયા અને યુએઈના પીવાના પાણીના સ્ત્રોત પર ખતરો મંડરાતા ગભરાટ, એક હુમલો આખા આરબ જગતને તરસ્યું રાખી શકે છે

રાજકોટ:પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે એક અત્યંત ખતરનાક અને વિનાશક વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપતા ચેતવણી આપી છે કે જો હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્રધુની) તાત્કાલિક ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સને નેસ્તનાબૂદ કરી દેશે. ટ્રમ્પના આ આક્રમક વલણ સામે ઈરાને પણ ચોંકાવનારો વળતો પ્રહાર કર્યો છે. ઈરાની સેનાએ ખુલ્લેઆમ ધમકી આપી છે કે જો તેમના ઉર્જા માળખા પર આંચ આવશે, તો તેઓ સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈત જેવા અમેરિકી સાથી દેશોના 'ડિસેલિનેશન પ્લાન્ટ્સ' (દરિયાઈ પાણીને મીઠું કરવાના પ્લાન્ટ) ને નિશાન બનાવશે. આ ધમકીએ ખાડી દેશોની ઉંઘ ઉડાડી દીધી છે કારણ કે આ પ્લાન્ટ્સ આ દેશોની જીવનરેખા ગણાય છે.

રાજકીય અને લશ્કરી નિષ્ણાતોના મતે, આ યુદ્ધ હવે માત્ર તેલ કે સરહદ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તે સીધું જ માનવીય અસ્તિત્વ એટલે કે પાણી પર આવી ગયું છે. સાઉદી અરેબિયા તેના પીવાના પાણીનો ૭૦ ટકા હિસ્સો આ પ્લાન્ટ્સમાંથી મેળવે છે, જ્યારે કુવૈત ૯૦ ટકા અને ઓમાન ૮૬ ટકા જેટલા જંગી પ્રમાણમાં આ ટેકનોલોજી પર નિર્ભર છે. જો ઈરાન આ પ્લાન્ટ્સ પર ડ્રોન કે મિસાઈલ હુમલા કરે, તો થોડા જ દિવસોમાં અબુ ધાબી, રિયાધ અને કુવૈત સિટી જેવા આધુનિક શહેરોમાં પીવાના પાણી માટે હાહાકાર મચી શકે છે. તેલ પુરવઠો ખોરવાય તો આર્થિક નુકસાન થાય, પણ જો પાણીનો પુરવઠો કપાય તો લાખો લોકોના જીવન પર જોખમ ઉભું થઈ શકે છે.

આ ગંભીર પરિસ્થિતિમાં સાઉદી અરેબિયા પહેલેથી જ સતત ડ્રોન હુમલાઓનો સામનો કરી રહ્યું છે, જેના કારણે પ્રદેશમાં ભારે ગભરાટ અને અરાજકતાનો માહોલ છે. ૧૯૮૩માં સીઆઈએ (CIA) દ્વારા આપવામાં આવેલી એક ચેતવણી મુજબ, આ પ્લાન્ટ્સ પરનો હુમલો સમગ્ર આરબ જગતમાં પલાયન અને અસ્થિરતા લાવી શકે છે. તાજેતરમાં ઈરાને અમેરિકા પર આરોપ લગાવ્યો હતો કે તેણે કેશ્મ ટાપુ પરના તેમના પ્લાન્ટને નિશાન બનાવ્યો છે, જેની સામે બહેરીને પણ વળતો દાવો કર્યો છે. આ પરસ્પર આક્ષેપબાજી દર્શાવે છે કે હવે બંને પક્ષો એકબીજાની સૌથી નબળી નસ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર દબાણ લાવી રહ્યા છે. જો આ 'વોટર વોર' શરૂ થશે, તો તે માત્ર લશ્કરી જંગ નહીં રહે પરંતુ એક મોટી માનવતાવાદી કટોકટીમાં ફેરવાઈ જશે.

પર્યાવરણીય દૃષ્ટિકોણથી પણ આ સંભવિત હુમલાઓ અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. ડિસેલિનેશન પ્લાન્ટ્સમાં ઉપયોગમાં લેવાતા રસાયણો અને ટેકનોલોજીને નુકસાન પહોંચવાથી દરિયાઈ જીવસૃષ્ટિને પણ કાયમી નુકસાન થવાની ભીતિ છે. અત્યાર સુધી આ પ્લાન્ટ્સ પર મોટા હુમલા ન થવાનું કારણ આંતરરાષ્ટ્રીય દબાણ અને 'વ્યૂહાત્મક સંયમ' માનવામાં આવતું હતું, પરંતુ ટ્રમ્પના આકરા અલ્ટીમેટમ બાદ ઈરાન જે રીતે લાલઘૂમ થયું છે, તે જોતા યુદ્ધના નિયમો નેવે મુકાય તેવી શક્યતા નકારી શકાતી નથી. જો આગામી કલાકોમાં રાજદ્વારી સમાધાન નહીં થાય, તો પશ્ચિમ એશિયાના રણમાં તેલની સાથે લોહી અને પાણીની ખેંચતાણ ભયાનક વિનાશ નોતરી શકે છે.

(2:41 PM IST)