<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

બંગાળના રણમેદાનમાં મોદીની એન્ટ્રી: મમતાના ગઢ ભવાનીપુરમાં પીએમનો ભવ્ય રોડ શો, ભાજપના દિગ્ગજોનો જમાવડો

રામ નવમી બાદ બંગાળમાં કેસરિયો કરંટ જગાવવા પીએમ મોદી 12 જેટલી રેલીઓ ગજવશે; અમિત શાહ, યોગી આદિત્યનાથ અને મિથુન ચક્રવર્તીના ઝંઝાવાતી પ્રચારથી ટીએમસીના ગઢમાં ગાબડું પાડવા ભાજપની માસ્ટર પ્લાનિંગ

કોલકાતા:પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના શંખનાદ બાદ હવે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મમતા બેનર્જીના દબદબાને પડકારવા માટે પોતાના સૌથી મોટા 'ટ્રમ્પ કાર્ડ' સમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેદાનમાં ઉતારવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પીએમ મોદી આગામી દિવસોમાં બંગાળના ખૂણે ખૂણે 10 થી 12 જેટલી વિશાળ રેલીઓ અને હાઈ-વોલ્ટેજ રોડ શો કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને કોલકાતામાં યોજાનાર રોડ શો આકર્ષણનું કેન્દ્ર બનશે, કારણ કે તે મમતા બેનર્જીના ગઢ ગણાતા ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારને આવરી લેશે, જ્યાં ભાજપના કદાવર નેતા સુવેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે.

ભાજપના વ્યૂહરચનાકારોએ રામ નવમીના પવિત્ર પર્વ બાદ પ્રચારને વધુ આક્રમક બનાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બંગાળમાં 12 થી 14 જેટલા મોટા કાર્યક્રમોમાં હાજરી આપીને સંગઠનને મજબૂત કરશે. તો બીજી તરફ, હિન્દુત્વના ફાયરબ્રાન્ડ નેતા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આઠ જેટલી જાહેરસભાઓને સંબોધિત કરવા જઈ રહ્યા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ આ વખતે માત્ર ડિજિટલ પ્રચાર પર જ નહીં, પરંતુ જમીની સ્તરે ડોર-ટુ-ડોર કેમ્પેઈન અને નાની કોર્નર મીટિંગો દ્વારા મતદારોના મન જીતવાનો પ્રયાસ કરશે.

આ વખતના ચૂંટણી જંગમાં ભાજપે પોતાની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ ઈચ્છે છે કે રાજ્યના સ્થાનિક નેતાઓ પણ રાષ્ટ્રીય નેતાઓ જેટલા જ સક્રિય દેખાય. આ હેતુથી પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય અને સાંસદ સુકાંત મજુમદારને પીએમ મોદી અને અમિત શાહની હરોળમાં રહીને પ્રચાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સુવેન્દુ અધિકારી અને દિલીપ ઘોષ જેવા સ્થાનિક દિગ્ગજોને 'સ્ટાર પ્રચારક' તરીકે રાજ્યના વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવશે, જેથી બંગાળી અસ્મિતા અને વિકાસના મુદ્દાઓને પ્રભાવી રીતે રજૂ કરી શકાય.

ચૂંટણી પ્રચારમાં ગ્લેમરનો તડકો લગાવવા માટે અભિનેતા મિથુન ચક્રવર્તી પણ મેદાનમાં ઉતરશે. ભાજપની આ યોજના મમતા બેનર્જીના વોટબેંકમાં સેંધ મારવા માટે અત્યંત કારગત સાબિત થઈ શકે તેમ છે. ભાજપ અધ્યક્ષ નીતિન નવીન અને જેપી નડ્ડા પણ કોલકાતામાં ધામા નાખીને બેઠકોનો દોર શરૂ કરશે. ભવાનીપુરમાં સુવેન્દુ અધિકારી અને મમતા બેનર્જી વચ્ચેનો સીધો મુકાબલો આ ચૂંટણીનો સૌથી ચર્ચિત વિષય બની ગયો છે. હવે જોવાનું એ રહેશે કે મોદીના આ મેગા શો અને ભાજપના દિગ્ગજોના પ્રવાસો બંગાળની જનતાના મિજાજને કેટલો બદલી શકે છે.

(4:17 PM IST)