હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારથી ટ્રેન વાટે સુરતમાં ઘૂસાડાતો નશાનો કાળો કારોબાર: 'ચાઇલ્ડ કુરિયર' ગેંગના બે સગીરો 9 કિલો ગાંજા સાથે ઝડપાયા
ઉધના પોલીસે ખાડી કિનારેથી લાખોની કિંમતના માદક પદાર્થ સાથે પરપ્રાંતીય કિશોરોને દબોચ્યા; મુંબઈ સુધી ફેલાયેલા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થતા પોલીસ તંત્ર હરકતમાં

સુરત: ડાયમંડ સિટી સુરતમાં નશાના સોદાગરો હવે નિર્દોષ સગીરોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉધના પોલીસની ટીમે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ઉધના ભાઠેના વિસ્તારમાં આવેલી એલ.એન. પાર્ક સોસાયટી પાછળના ખાડી માર્ગેથી બે સગીર વયના કિશોરોને ઝડપી પાડ્યા છે. પોલીસની તપાસમાં આ કિશોરો પાસેથી અંદાજે 4.54 લાખની કિંમતનો 9.08 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. બિહારથી ટ્રેન મારફતે સુરત સુધી પહોંચેલા આ માદક પદાર્થના જથ્થા સાથે મોબાઈલ ફોન સહિત કુલ 4.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ડીસીપી ડો. કાનન દેસાઈના જણાવ્યા અનુસાર, આ બંને સગીરો માત્ર કુરિયર તરીકે કામ કરી રહ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, બિહારના સીતામઢીના રોશન કુમાર નામના શખ્સે આ જથ્થો આપ્યો હતો અને સુરતના ઉધના હરિનગર ખાતે રહેતા બબલુ કુમાર સુધી પહોંચાડવાની સૂચના આપી હતી. પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, આ પૈકીનો એક સગીર અગાઉ 20 કિલો જેટલો મોટો ગાંજાનો જથ્થો લઈને મુંબઈ સુધી પણ ડિલિવરી આપી આવ્યો છે. આ હકીકત સૂચવે છે કે એક સુવ્યવસ્થિત આંતરરાજ્ય રેકેટ કાર્યરત છે જે કાયદાની નજરમાંથી બચવા માટે બાળકોનો ઉપયોગ કરી રહ્યું છે.
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે, આ સગીરો ગઈકાલે સવારે જ બિહારથી ટ્રેન વાટે સુરત સ્ટેશને ઉતર્યા હતા. પકડાયેલા કિશોરો આર્થિક ભીંસ અથવા લાલચમાં આવીને આ ગુનાહિત રસ્તે ચઢ્યા હોવાની આશંકા છે. ઉધના પોલીસે હવે આ રેકેટના મુખ્ય સૂત્રધાર રોશન કુમાર અને જથ્થો મેળવનાર બબલુ કુમારને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે સ્પેશિયલ ટીમો બનાવીને બિહાર અને મુંબઈના તાર જોડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, જેથી આખા નેટવર્કને નેસ્તનાબૂદ કરી શકાય.
શહેરમાં વધી રહેલા નશાના કારોબારને ડામવા માટે સુરત પોલીસ હવે વધુ સતર્ક બની છે. ખાસ કરીને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ દેખરેખ વધારી દેવામાં આવી છે. ઉધના પોલીસે આ મામલે ગુનો નોંધીને બંને સગીરોને બાળ રિમાન્ડ હોમમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ કેસમાં આગામી દિવસોમાં મોટા માથાઓની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, જે લોકો બાળકોને આવા જોખમી અને ગેરકાયદેસર કામોમાં ધકેલી રહ્યા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
