<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

શેરબજારમાં વિદેશી રોકાણકારોનો ફફડાટ: ₹88,000 કરોડના વેચાણથી દલાલ સ્ટ્રીટમાં ધરતીકંપ

મધ્ય પૂર્વમાં મિસાઇલો તેલના કુવાઓ પર ત્રાટકતા ક્રૂડ $112ને પાર, રૂપિયો ગગડીને ₹93ની સપાટીએ પહોંચતા વિદેશી સંસ્થાઓએ ભારતીય બજારમાંથી ઉચાળા ભર્યા

મુંબઈ: વૈશ્વિક સ્તરે ભભૂકી રહેલા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધે હવે આર્થિક મોરચે પણ વિનાશ વેરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને ભારતીય શેરબજારમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)નો મૂડ સાવ બગડ્યો છે અને તેમણે માત્ર માર્ચ મહિનામાં જ અત્યાર સુધીમાં ₹88,180 કરોડ ($9.6 બિલિયન) જેવી મસમોટી રકમ પાછી ખેંચી લીધી છે. ફેબ્રુઆરીમાં જોવા મળેલો સુધારો ક્ષણજીવી સાબિત થયો છે, કારણ કે યુદ્ધ હવે વ્યૂહાત્મક સ્થાનોથી વધીને ઉર્જા ક્ષેત્રો પર કેન્દ્રીત થયું છે, જેના પરિણામે રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાયો છે.

રોકાણકારોના આ પલાયન પાછળનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલના ભડકે બળતા ભાવ છે. યુદ્ધ પૂર્વે $70 આસપાસ ટ્રેડ થતું તેલ હવે 112 પ્રતિ ડોલર બેરલની સપાટી વટાવી ચૂક્યું છે. આ ઉપરાંત, ભારતીય રૂપિયાનું સતત ધોવાણ પણ ચિંતાનો વિષય બન્યું છે. ડૉલર સામે રૂપિયો 93ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો છે અને નિષ્ણાતો તે 95 સુધી ગગડવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે રૂપિયો નબળો પડે છે, ત્યારે વિદેશી રોકાણકારોનું વળતર ઘટે છે, જેને કારણે તેઓ ભારતીય ઇક્વિટી વેચીને સુરક્ષિત ગણાતા ડૉલર કે સોના તરફ વળી રહ્યા છે.

આ વેચાણના પ્રવાહમાં સૌથી વધુ માર બેન્કિંગ અને નાણાકીય સેવાઓ  ક્ષેત્રને પડ્યો છે, જ્યાં સૌથી વધુ આઉટફ્લો જોવા મળ્યો છે. વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ઉપાડનો આંકડો ₹1 લાખ કરોડને વટાવી ગયો છે. બજારના વિશ્લેષકોનું માનવું છે કે જ્યાં સુધી મધ્ય પૂર્વમાં યુદ્ધવિરામ કે શાંતિના સંકેત નહીં મળે અને ક્રૂડના ભાવ સ્થિર નહીં થાય, ત્યાં સુધી વિદેશી રોકાણકારોની વાપસી મુશ્કેલ છે. હાલમાં ભારતીય બજાર સંપૂર્ણપણે વૈશ્વિક નકારાત્મક સંકેતોના દબાણ હેઠળ છે.

(6:23 PM IST)