<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

પરમાણુ કેન્દ્રો પર મિસાઈલ હુમલા: ઈરાન-ઈઝરાયેલ જંગમાં 'કયામતની રાત' : ટ્રમ્પનું 48 કલાકનું કાઉન્ટડાઉન શરૂ! : કતારનું હેલિકોપ્ટર ક્રેશ થતા છના મોતથી અરેરાટી

ડિમોના પરમાણુ પ્લાન્ટ પર ઈરાની મિસાઈલો ત્રાટકતા 100 ઘાયલ, જવાબમાં ટ્રમ્પે ઈરાનના પાવર ગ્રીડને ફૂંકી મારવાની આપી ધમકી

વોશિંગ્ટન:  મધ્ય પૂર્વમાં ચાલી રહેલું લોહિયાળ યુદ્ધ હવે ૨૩મા દિવસે પ્રવેશતા જ લોકહર્ષક નહિ પણ અત્યંત ડરામણું બની ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર ઈરાનને છેલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ૪૮ કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ ખુલ્લો નહીં કરવામાં આવે, તો અમેરિકા ઈરાનના વિશાળ પાવર પ્લાન્ટ્સનો નાશ કરી દેશે. આ અલ્ટીમેટમની ગંભીરતા વચ્ચે ઈરાને ઈઝરાયેલના સૌથી સંવેદનશીલ ગણાતા 'ડિમોના' પરમાણુ સંશોધન કેન્દ્ર પર સીધો મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલામાં ૧૦૦થી વધુ લોકો લોહીલુહાણ થયા છે અને ઈઝરાયેલના અરાદ શહેરમાં ભારે તબાહી જોવા મળી છે. જોકે, IAEA એ પુષ્ટિ કરી છે કે પરમાણુ પ્લાન્ટ સુરક્ષિત છે, પરંતુ આ હુમલાએ ઈઝરાયેલની અભેદ્ય ગણાતી સુરક્ષા પ્રણાલી પર સવાલો ઉભા કર્યા છે.

આ તણાવની વચ્ચે સમુદ્રમાં એક મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં કતારનું એક હેલિકોપ્ટર રહસ્યમય રીતે ક્રેશ થઈ ગયું છે. આ અકસ્માતમાં છ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત પાછળ કોઈ તકનીકી ખામી છે કે યુદ્ધની અસર, તે હજુ સ્પષ્ટ થયું નથી. બીજી તરફ, ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ ઈરાન સામે 'આરપારની લડાઈ'નું એલાન કર્યું છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે પોતાના 'નાતાન્ઝ' પરમાણુ પ્લાન્ટ પર થયેલા હુમલાનો બદલો લીધો છે. હવે યુદ્ધ માત્ર સરહદો પૂરતું મર્યાદિત નથી રહ્યું, પણ બંને દેશોના અસ્તિત્વ અને પરમાણુ ક્ષમતાઓ પર આવી ગયું છે.

આ ભયાનક જંગમાં અત્યાર સુધી ઈરાનમાં ૧,૫૦૦ અને લેબનોનમાં ૧,૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ટ્રમ્પ ભલે દાવો કરી રહ્યા હોય કે અમેરિકા વિજયની નજીક છે અને ઈરાનની સૈન્ય શક્તિ ખતમ થઈ ગઈ છે, પરંતુ ઈરાનના મિસાઈલ હુમલાઓ કંઈક અલગ જ કહાની કહી રહ્યા છે. દક્ષિણ ઈઝરાયેલમાં એક ૧૦ વર્ષનો બાળક જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, જે આ યુદ્ધની ક્રૂરતાનું પ્રતીક બની ગયો છે. જો આગામી ૪૮ કલાકમાં કોઈ રાજદ્વારી ઉકેલ નહીં આવે, તો સમગ્ર મધ્ય પૂર્વ અંધકારમાં ડૂબી શકે છે અને તેની અસરથી ભારત સહિત આખું વિશ્વ આર્થિક અને સુરક્ષાની દ્રષ્ટિએ હચમચી જશે.

(6:26 PM IST)