હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દુનિયા પર ફરી 'લોકડાઉન'નો ખતરો: આ વખતે વાયરસ નહીં, પણ 'તેલના ખેલ'માં થંભી જશે જિંદગી!
એરલાઈન્સમાં કાપ અને અનેક દેશોમાં ઇંધણનું રેશનિંગ શરૂ: IEA એ જાહેર કરી 10 મુદ્દાની 'કોવિડ સ્ટાઈલ' એનર્જી સેવિંગ પ્લાન : ઘરેથી કામ અને મુસાફરી પર પ્રતિબંધના એંધાણ

નવી દિલ્હી: વિશ્વના નકશા પર અત્યારે જે રીતે મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ ભભૂકી રહી છે, તેણે ફરી એકવાર 'લોકડાઉન' જેવી પરિસ્થિતિના એંધાણ આપ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ—જે વિશ્વના તેલ પુરવઠાની જીવાદોરી ગણાય છે—તે ઈરાન-અમેરિકાના તણાવમાં બંધ થઈ જતા ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે. પ્રતિ બેરલ $112ની કિંમત અને અમેરિકામાં $5 પ્રતિ ગેલન ગેસોલિનના ભાવે વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી દીધું છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા માત્ર મોજશોખની વસ્તુઓ જ નહીં, પણ દૂધ, શાકભાજી અને અનાજ જેવી જીવનજરૂરિયાતની ચીજોના ભાવમાં પણ ભડકો થયો છે, જેનાથી વિશ્વભરમાં ખાદ્ય સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે.
પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે જાપાન, દક્ષિણ કોરિયા અને શ્રીલંકા જેવા દેશોમાં પેટ્રોલ પંપ પર સૈન્ય તૈનાત કરવું પડે તેવી સ્થિતિ છે અને ઇંધણનું રેશનિંગ (માપબંધી) શરૂ કરી દેવામાં આવ્યું છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ હવે 'ઓઈલ શોક્સથી આશ્રય' નામનો ૧૦ મુદ્દાનો પ્લાન જાહેર કર્યો છે, જે અદ્દલ કોરોના કાળના લોકડાઉનની યાદ અપાવે છે. આ પ્લાન મુજબ, હાઇવે પર કારની ગતિ મર્યાદિત કરવી, એકી-બેકી (Odd-Even) નંબરો પર વાહન ચલાવવા, રવિવારે કાર-ફ્રી ડે ઉજવવો અને કર્મચારીઓને ફરીથી 'વર્ક ફ્રોમ હોમ' આપવા જેવી ભલામણો કરવામાં આવી છે. એરલાઈન્સ કંપનીઓએ પણ ઈંધણ બચાવવા માટે ફ્લાઈટ્સમાં ૫ થી ૧૦ ટકાનો કાપ મુકવાની શરૂઆત કરી દીધી છે.
ભારત જેવા દેશ માટે આ સ્થિતિ વધુ ચિંતાજનક છે કારણ કે આપણી તેલની ૮૦ ટકા જરૂરિયાત આ જ દરિયાઈ માર્ગે પૂરી થાય છે. જો આ કટોકટી લાંબી ખેંચાશે, તો સરકાર ડિજિટલ પરમિટ સિસ્ટમ જેવી કડક વ્યવસ્થાઓ લાગુ કરી શકે છે, જેમાં વ્યક્તિની મુસાફરી અને વપરાશ પર સીધો અંકુશ હશે. ઓસ્ટ્રેલિયામાં તો બિન-આવશ્યક મુસાફરી પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ શરૂ પણ થઈ ગઈ છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો આપણે જલ્દીથી ઇલેક્ટ્રિક વાહનો અને સૌર ઊર્જા જેવા વૈકલ્પિક સ્ત્રોતો તરફ નહીં વળીએ, તો માનવજાતે ફરી એકવાર બંધ બારણે રહેવા તૈયાર રહેવું પડશે. આ ઊર્જા કટોકટી માત્ર ખિસ્સા ખાલી નથી કરી રહી, પણ આપણી આઝાદી પર પણ ત્રાપ મારી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
