<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

નેતન્યાહૂનું રૌદ્ર સ્વરૂપ: "ઈરાન આખી દુનિયા માટે 'ટાઈમ બોમ્બ': હવે મૌન તોડવાનો સમય આવી ગયો છે!"

અરાદમાં થયેલા મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલી પીએમની ગર્જના: જેરુસલેમના પવિત્ર સ્થળો અને 4,000 કિમી દૂર ડિએગો ગાર્સિયા પર હુમલો કરી ઈરાને લક્ષ્મણ રેખા ઓળંગી: હવે IRGC ના નેતાઓ અને પરમાણુ પ્રોગ્રામનો થશે સર્વનાશ

તેલ અવીવ:  ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન સામે સીધું યુદ્ધ છેડતા વિશ્વ સમુદાયને હચમચાવી દીધો છે. અરાદમાં ઈરાની મિસાઈલો દ્વારા થયેલી તબાહીનું નિરીક્ષણ કરવા પહોંચેલા નેતન્યાહૂએ અત્યંત આક્રમક તેવરમાં જણાવ્યું કે, છેલ્લા ૪૮ કલાક એ વાતના પુરાવા છે કે ઈરાન માત્ર ઈઝરાયેલ નહીં પણ સમગ્ર માનવજાત માટે ખતરો છે. તેમણે ખુલાસો કર્યો કે ઈરાને જેરુસલેમના એવા પવિત્ર સ્થળોને નિશાન બનાવ્યા છે જે ત્રણ મોટા ધર્મો (હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી) માટે આસ્થાનું કેન્દ્ર છે. નેતન્યાહૂએ ચેતવણી આપી કે ઈરાને ૪,૦૦૦ કિમી દૂર ડિએગો ગાર્સિયા પર બેલિસ્ટિક મિસાઈલ છોડીને સાબિત કર્યું છે કે તેની પહોંચ હવે યુરોપ અને બાલ્કન દેશો સુધી થઈ ગઈ છે, જે આખી દુનિયાને બ્લેકમેલ કરવાનો ગંદો ખેલ છે.

નેતન્યાહૂએ ઈરાનની શક્તિશાળી સેના IRGC ને એક 'ગુનાહિત ગેંગ' ગણાવીને સ્પષ્ટ કર્યું કે ઈઝરાયેલનો આગામી હુમલો નાગરિકો પર નહીં, પણ ઈરાનના શાસકો અને તેમની આર્થિક સંપત્તિઓ પર હશે. તેમણે બે મુખ્ય લક્ષ્યો જાહેર કર્યા છે: પહેલું, ઈરાનના પરમાણુ અને મિસાઈલ પ્રોગ્રામને જડમૂળથી ઉખેડી નાખવો અને બીજું, ઈરાનની જનતા પર જુલમ ગુજારનાર સરમુખત્યારશાહી શાસનને ઉથલાવી દેવું. નેતન્યાહૂએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના અભિગમની પ્રશંસા કરતા કહ્યું કે, ઈરાનના આ કટ્ટરપંથી અને ઝનૂની શાસનને રોકવા માટે હવે અન્ય દેશોએ પણ મેદાનમાં આવવું પડશે, કારણ કે આ લડાઈ હવે માત્ર ઈઝરાયેલ પૂરતી મર્યાદિત નથી રહી.

આ યુદ્ધમાં હવે અમેરિકા અને ઈઝરાયેલ ખભેખભા મિલાવીને ઈરાનના અસ્તિત્વ સામે મહારણ ખેલી રહ્યા છે. નેતન્યાહૂએ દાવો કર્યો છે કે તેઓ ખૂબ જ ગુપ્તતા સાથે ઈરાનના સૈન્ય માળખાને તોડી રહ્યા છે અને ટૂંક સમયમાં જ ઈરાની જનતાને આ જુલમી શાસનમાંથી મુક્તિ મળશે. બીજી તરફ, ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોને બંધ કરવાની ધમકીએ વૈશ્વિક તેલ બજારમાં પણ ફફડાટ ફેલાવ્યો છે. નેતન્યાહૂના આ નિવેદન બાદ હવે જોવાનું એ રહેશે કે ભારત, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશો આ સંઘર્ષમાં કેવું વલણ અપનાવે છે, કારણ કે જો આ યુદ્ધ વધશે તો તેની આંચ આખી દુનિયાને દઝાડશે.

(7:48 PM IST)