News of Sunday, 22nd March 2026
શું ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર બીમાર છે? એરફોર્સ વનની સીડીઓ પર ઉતરતી વખતે રાષ્ટ્રપતિના પગ લથડ્યા!
વીડિયોમાં રેલિંગ પકડીને અત્યંત સાવધાનીથી ઉતરતા દેખાયા ટ્રમ્પ; સોશિયલ મીડિયા પર યુઝર્સની તીખી પ્રતિક્રિયા : "જો ગરદન તૂટી જશે તો શું?" કહીને વિપક્ષે સ્વાસ્થ્ય રિપોર્ટ પર ઉઠાવ્યા ગંભીર સવાલો

વોશિંગ્ટન: વિશ્વના સૌથી શક્તિશાળી નેતા ગણાતા ડોનાલ્ડ ટ્રમ્પનો એક તાજેતરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાવાઝોડાની જેમ વાયરલ થઈ રહ્યો છે, જેણે તેમના સ્વાસ્થ્ય વિશે નવી શંકાઓ જન્માવી છે. વીડિયોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ 'એરફોર્સ વન'ની સીડીઓ ઉતરતી વખતે અત્યંત અસ્થિર જણાતા હતા. તેમણે મજબૂતીથી રેલિંગ પકડી રાખી હતી અને દરેક ડગલું ફૂંકી ફૂંકીને મૂકતા હોય તેમ અત્યંત ધીમી ગતિએ નીચે ઉતરી રહ્યા હતા. જમીન પર પગ મૂકતા પહેલા તેઓ એક ક્ષણ માટે થંભી ગયા, જાણે કે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યા હોય. જોકે તેઓ પડ્યા ન હતા, પરંતુ તેમની આ શારીરિક મર્યાદાએ વિરોધીઓને ટીકા કરવાની તક આપી દીધી છે.
તબીબી નિષ્ણાતોના મતે, વધતી ઉંમર સાથે આ પ્રકારની શારીરિક અસ્થિરતા સામાન્ય હોઈ શકે છે, પરંતુ જ્યારે દેશના રાષ્ટ્રપતિની વાત હોય ત્યારે તે રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય બની જાય છે. વ્હાઇટ હાઉસે હંમેશાની જેમ આ દાવાઓને નકારી કાઢ્યા છે અને જૂના મેડિકલ રિપોર્ટ્સનો હવાલો આપીને ટ્રમ્પને "સંપૂર્ણ સ્વસ્થ" ગણાવ્યા છે. અગાઉ પણ તેમના ભૂતપૂર્વ ડૉક્ટર રોની જેક્સને દાવો કર્યો હતો કે ટ્રમ્પના જનીનો (genes) એટલા સારા છે કે તેઓ લાંબુ આયુષ્ય ભોગવશે. પરંતુ, વારંવાર સામે આવતા આવા વીડિયો જનતામાં પારદર્શિતાની માંગ વધારી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર તો પ્રતિક્રિયાઓનો ધોધ વછૂટ્યો છે. કેટલાકે લખ્યું કે, "ટ્રમ્પ હવે થાકી ગયા છે અને આટલી મોટી જવાબદારી તેમના પર ભારે પડી રહી છે." તો વળી, કેટલાક યુઝર્સે તેમની નિર્ણય લેવાની ક્ષમતા પર પણ કટાક્ષ કરતા કહ્યું કે, "જે માણસ સીડીઓ બરાબર ઉતરી શકતો નથી, તે દુનિયાના નિર્ણયો કેવી રીતે લેશે?" એક યુઝરે તો ચિંતા વ્યક્ત કરતા લખ્યું કે, "આ ઉંમરે જો તેઓ પડી જાય અને ગરદન તૂટી જાય તો દેશનું શું થશે?" અત્યારે આ મુદ્દો માત્ર સ્વાસ્થ્ય પૂરતો મર્યાદિત નથી રહ્યો, પણ આવનારી રાજકીય ગતિવિધિઓ પર પણ તેની મોટી અસર પડી શકે તેમ છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
