News of Sunday, 22nd March 2026
માતૃત્વ પર ભારે પડી ઓફિસની જીદ: 'વર્ક ફ્રોમ હોમ' ના આપ્યું ને માસૂમનો જીવ ગયો, હવે કંપની ભરશે ₹180 કરોડનો દંડ!
ઉચ્ચ જોખમી ગર્ભાવસ્થા હોવા છતાં ઓફિસ બોલાવવાની હઠે એક માતાનો ખોળો ઉજ્જડ કર્યો: ઓહિયોની કોર્ટે કંપનીની અસંવેદનશીલતા સામે ફટકાર્યો ઐતિહાસિક આર્થિક દંડ : માનવતાના નામે નોકરી કરતા લાખો લોકો માટે સીમાચિહ્નરૂપ કિસ્સો

ઓહિયો : અમેરિકાના ઓહિયો રાજ્યમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈપણનું કાળજું કંપી ઉઠે. ચેલ્સી વોલ્શ નામની એક ગર્ભવતી મહિલા, જેને ડોક્ટરોએ 'હાઈ-રિસ્ક પ્રેગ્નન્સી' હોવાથી સંપૂર્ણ આરામ અને ઘરેથી કામ કરવાની સલાહ આપી હતી, તેની કંપનીએ આ વિનંતીને ઠુકરાવી દીધી હતી. આર્થિક મજબૂરી અને નોકરી ગુમાવવાના ડરથી ચેલ્સીને ભારે શરીરે ઓફિસ જવાની ફરજ પડી. સતત ત્રણ દિવસ ઓફિસમાં કામ કર્યા બાદ તેની તબિયત લથડી અને તેણે અકાળે એક બાળકીને જન્મ આપ્યો. કમનસીબે, જન્મના ગણતરીના કલાકોમાં જ તે નવજાત બાળકીનું મૃત્યુ થયું. જો કંપનીએ માત્ર ત્રણ દિવસ પહેલા માનવતા બતાવી હોત, તો આજે એક ઘરનો ચિરાગ બુઝાયો ન હોત.
સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે જે દિવસે ચેલ્સીને પ્રસૂતિની પીડા ઉપડી, તે જ દિવસે કંપનીએ તેને ઘરેથી કામ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ ત્યાં સુધીમાં કુદરતનો ખેલ ખતમ થઈ ચૂક્યો હતો. આ ક્રૂર બેદરકારી સામે ચેલ્સીએ કાયદાકીય જંગ છેડ્યો. કોર્ટમાં સુનાવણી દરમિયાન બહાર આવ્યું કે કંપનીએ જાણીજોઈને તબીબી સલાહની અવગણના કરી હતી. જજે કંપનીના આ વલણને અત્યંત અસંવેદનશીલ ગણાવ્યું અને પીડિત માતાને ન્યાય આપતા $22.5 મિલિયન (આશરે ₹180 કરોડ) નું જંગી વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. આ રકમ કદાચ ચેલ્સીના બાળકને પાછું નહીં લાવી શકે, પણ તે કોર્પોરેટ જગત માટે એક કડક પાઠ છે કે કર્મચારીનો જીવ કંપનીના નફા કરતા વધુ કિંમતી છે.
આ કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વિશ્વભરમાં 'વર્ક-લાઈફ બેલેન્સ' અને ગર્ભવતી મહિલાઓના અધિકારો પર નવી ચર્ચા છેડાઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ માત્ર એક કાનૂની જીત નથી, પરંતુ કાર્યસ્થળ પર વધતી જતી માનસિક અને શારીરિક કઠોરતા સામેનો વિજય છે. આ ચુકાદા બાદ હવે મોટી કંપનીઓએ તેમની એચઆર (HR) નીતિઓમાં ધરખમ ફેરફારો કરવા પડશે, જેથી ફરી ક્યારેય કોઈ માતાએ કામના બોજ હેઠળ પોતાના સંતાનને ગુમાવવું ના પડે. ચેલ્સીની આ લડાઈ આજે વિશ્વની લાખો કામ કરતી મહિલાઓ માટે પ્રેરણા અને સુરક્ષાનું પ્રતીક બની ગઈ છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
