<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

કેનેડા જવું હવે વધુ સરળ: ફ્રેન્ચ બોલતા વિદ્યાર્થીઓ માટે ખુલ્યો 'PR'નો નવો અને સીધો રસ્તો; જાણો નવી ઇમિગ્રેશન પોલિસીના ફાયદા

ક્વિબેક બહાર ફ્રેન્કોફોન સમુદાયોને મજબૂત કરવા કેનેડા સરકારનો માસ્ટરપ્લાન; દ્વિભાષી ટેક પ્રતિભા માટે લાલ જાજમ અને ઇમિગ્રેશન ડ્રોમાં મોટું ડિસ્કાઉન્ટ

ઓટ્ટાવા | તા.૨૩: કેનેડામાં કાયમી નિવાસ (PR) મેળવવા માંગતા ભારતીય સહિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક ઉભી થઈ છે. કેનેડા સરકારે ફ્રેન્ચ ભાષા જાણતા વિદ્યાર્થીઓ અને સ્નાતકો માટે એક ખાસ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે તેમને PR મેળવવામાં સીધું માર્ગદર્શન અને નોકરીની તકો પૂરી પાડશે. આ નવી પહેલનો મુખ્ય હેતુ ક્વિબેક પ્રાંત સિવાયના અન્ય વિસ્તારોમાં ફ્રેન્ચ બોલતા લોકોની વસ્તી વધારવાનો છે. આ પ્રોજેક્ટની શરૂઆત ઓન્ટારિયોની પ્રતિષ્ઠિત 'યુનિવર્સિટી ડી હર્સ્ટ' થી કરવામાં આવી છે.
ઇમિગ્રેશન મંત્રી લેના મેટલેજ ડાયાબ દ્વારા જાહેર કરાયેલ આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને માત્ર ભણતર જ નહીં, પરંતુ કેનેડાના જોબ માર્કેટમાં કેવી રીતે પ્રવેશવું તેનું વ્યક્તિગત માર્ગદર્શન પણ અપાશે. આ પ્રોગ્રામમાં ઇન્ટર્નશિપ, મેન્ટરશિપ અને સ્વયંસેવા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જે વિદ્યાર્થીઓને કેનેડિયન સમાજમાં ભળવા અને વહેલી તકે PR મેળવવા માટે જરૂરી પોઈન્ટ્સ ભેગા કરવામાં મદદરૂપ થશે.
દ્વિભાષી ટેક પ્રતિભા પર સરકારનું વિશેષ ધ્યાન
કેનેડા માત્ર સામાન્ય વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ ટેકનોલોજી ક્ષેત્રના એવા નિષ્ણાતોને પણ શોધી રહ્યું છે જેઓ અંગ્રેજી અને ફ્રેન્ચ એમ બંને ભાષામાં નિપુણ હોય. આ માટે સરકારે દ્વિભાષી પ્રતિભાઓનું મેપિંગ કરવા અને ફ્રેન્કોફોન સમુદાયોમાં રહેલી તકો વિશે જાગૃતિ ફેલાવવા માટે લાખો ડોલરનું ભંડોળ ફાળવ્યું છે. યુનિવર્સિટી ડી લ'ઓન્ટારિયો ફ્રાન્સીસને આ કાર્ય માટે અંદાજે $5,75,000 ની ગ્રાન્ટ આપવામાં આવી છે.
2026 માં 'PR' ના દરવાજા ખુલ્યા
ચાલુ વર્ષે કેનેડાએ ફ્રેન્ચ ભાષા જાણતા લોકો માટે અત્યાર સુધીમાં ત્રણ ખાસ ઇમિગ્રેશન ડ્રો યોજ્યા છે, જેમાં ૧૮,૦૦૦ થી વધુ ઉમેદવારોને આમંત્રણ પત્રો (ITAs) પાઠવવામાં આવ્યા છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ કેટેગરીમાં કટ-ઓફ સ્કોર માત્ર ૩૯૩ રહ્યો છે, જે સામાન્ય ડ્રો કરતા ઘણો ઓછો છે. કેનેડાએ વર્ષ ૨૦૨૮ સુધીમાં ફ્રેન્ચ ભાષા બોલતા પ્રવાસીઓનો હિસ્સો ૧૦.૫% અને ૨૦૨૯ સુધીમાં ૧૨% સુધી લઈ જવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે.
જો તમે પણ કેનેડા સ્થાયી થવા માંગતા હોવ, તો હવે અંગ્રેજીની સાથે ફ્રેન્ચ ભાષા શીખવી એ તમારા માટે 'શોર્ટકટ' સાબિત થઈ શકે તેમ છે.

(3:52 PM IST)