<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ગલ્ફ દેશોમાં ભણતા હજારો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ: ઇઝરાયેલ-ઈરાન યુદ્ધને કારણે CBSE બોર્ડની પરીક્ષાઓ રદ, શૈક્ષણિક વર્ષ બગડવાનો ફાળો

યુદ્ધની આગમાં હોમાયું વિદ્યાર્થીઓનું સપનું; ગણિત અને બાયોલોજી જેવા મુખ્ય પેપરો રદ થતા મેડિકલ-એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ, વાલીઓમાં ભારે રોષ અને ચિંતા

દુબઈ | તા.૨૩: પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના વંટોળની સીધી અને ગંભીર અસર હવે શિક્ષણ ક્ષેત્ર પર જોવા મળી રહી છે. ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચેના વધતા તણાવને કારણે સુરક્ષાના કારણોસર મધ્ય પૂર્વના દેશોમાં લેવાનારી CBSE ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષાઓ અધવચ્ચે જ રદ કરી દેવામાં આવી છે. મહિનાઓ સુધી રાત-દિવસ એક કરીને તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે આ સમાચાર કોઈ આંચકાથી ઓછા નથી. શારજાહની ૧૭ વર્ષીય રિશિતા પુરી જ્યારે ગણિતની પરીક્ષા આપવા તૈયાર થઈ રહી હતી, ત્યારે જ તેને પરીક્ષા રદ થયાનો સંદેશ મળ્યો, જેણે તેની તમામ મહેનત પર પાણી ફેરવી દીધું છે.
ગલ્ફ દેશોમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ માત્ર ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પરીક્ષા આપી હતી, પરંતુ ગણિત, બાયોલોજી અને અંગ્રેજી જેવા સ્કોરિંગ વિષયોના પેપરો રદ કરી દેવાયા છે. કુવૈતમાં રહેતા વાલી શ્યામ કલ્યાણરામે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, "બોર્ડ હવે સરેરાશ માર્ક્સ આપવાની ફોર્મ્યુલા વિચારી રહ્યું છે, પરંતુ તે અન્યાયી છે. મારી પુત્રી ગણિતમાં વધુ મહેનત કરીને ટકાવારી સુધારવા માંગતી હતી, હવે સરેરાશ ગુણથી તેના વાસ્તવિક પ્રદર્શનને નુકસાન થશે."
મેડિકલ અને એન્જિનિયરિંગના સપનાઓ પર જોખમ
સૌથી વધુ મુશ્કેલી મેડિકલના ઉમેદવારો માટે ઊભી થઈ છે. બાયોલોજીનું પેપર રદ થતા હવે નીટ (NEET) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસવા માટેની પાત્રતા (Eligibility) પર સવાલો ઉભા થયા છે. મે મહિનામાં યોજાનારી NEET પરીક્ષા માટે ગલ્ફમાં કેન્દ્રો ચાલુ રહેશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ અનિશ્ચિતતાને કારણે ઘણા વાલીઓ પોતાના બાળકોને ૧૮-૨૦ કલાકની લાંબી અને જોખમી મુસાફરી કરાવીને ભારત મોકલવાનું વિચારી રહ્યા છે, જેથી તેઓ કોઈ પણ સંજોગોમાં પરીક્ષા ચૂકી ન જાય.
વિદેશી યુનિવર્સિટીઓની શરતી ઓફરો સામે ખતરો
માત્ર ભારત જ નહીં, પરંતુ યુકે અને અન્ય વિદેશી યુનિવર્સિટીઓમાં એડમિશન મેળવી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે પણ મુશ્કેલી ઉભી થઈ છે. અબુ ધાબીની એક વિદ્યાર્થિનીને યુકેની યુનિવર્સિટીમાંથી બાયોમેડિકલ સાયન્સ માટે શરતી ઓફર (Conditional Offer) મળી છે, જે ધોરણ ૧૨ના માર્ક્સ પર આધારિત છે. હવે સ્કોરની ગણતરી કેવી રીતે થશે તેની જાણકારી વગર આ એડમિશન રદ થવાનો ભય સેવાઈ રહ્યો છે.
પ્રી-બોર્ડના માર્ક્સ સ્વીકારવા સામે વિરોધ
વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડ દ્વારા આંતરિક મૂલ્યાંકન કે પ્રી-બોર્ડ પરીક્ષાના ગુણ ધ્યાનમાં લેવાના વિચારનો વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે શાળાઓમાં પ્રી-બોર્ડનું ચેકિંગ ખૂબ જ કડક હોય છે અને તેઓ મુખ્ય પરીક્ષામાં વધુ સારા દેખાવની આશા રાખતા હતા. અત્યારે દુબઈ, કુવૈત અને શારજાહમાં ભારતીય સમુદાય માત્ર દૂતાવાસ અને CBSE ની સત્તાવાર જાહેરાતોની રાહ જોઈ રહ્યો છે. યુદ્ધની આ પરિસ્થિતિએ એક આખા શૈક્ષણિક વર્ષને અંધકારમાં ધકેલી દીધું હોય તેવું લાગી રહ્યું છે.

(3:56 PM IST)