<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ટ્રમ્પનું નવું 'હથિયાર': અમેરિકન એરપોર્ટ પર હવે તૈનાત થશે કડક ICE એજન્ટો? ડેમોક્રેટ્સ સાથેના ફંડિંગ વોરમાં રાષ્ટ્રપતિની ખુલ્લી ધમકી

બજેટ મંજૂર ન થાય તો એરપોર્ટ સુરક્ષાની કમાન ઇમિગ્રેશન એજન્ટોને સોંપવાની તૈયારી; ટ્રમ્પે કહ્યું- "દુનિયાએ ક્યારેય ન જોઈ હોય તેવી લોખંડી સુરક્ષા કરીશું"

વોશિંગ્ટન | તા.૨૩: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પક્ષ વચ્ચેના ગજગ્રાહે હવે અમેરિકાના એરપોર્ટ્સ પર મોટી સુરક્ષા કટોકટી ઉભી કરી દીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શનિવારે સોશિયલ મીડિયા દ્વારા એક સનસનાટીભરી જાહેરાત કરતા ધમકી આપી છે કે, જો કોંગ્રેસના ડેમોક્રેટ્સ એરપોર્ટ સલામતી માટે જરૂરી ભંડોળ (Funding) તાત્કાલિક મંજૂર નહીં કરે, તો તેઓ એરપોર્ટ પર ફેડરલ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ના એજન્ટોને તૈનાત કરી દેશે.
સામાન્ય રીતે ICE એજન્ટોનું કામ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પકડવાનું અને દેશનિકાલ કરવાનું હોય છે, પરંતુ ટ્રમ્પ હવે તેમને મુસાફરોની સુરક્ષા અને એરપોર્ટ વ્યવસ્થા જાળવવા માટે મેદાનમાં ઉતારવા માંગે છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "હું અમારા તેજસ્વી અને સાચા દેશભક્ત ICE એજન્ટોને એરપોર્ટ પર મોકલીશ. તેઓ ત્યાં એવી કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરશે જે અગાઉ ક્યારેય કોઈએ જોઈ નથી."
ડેમોક્રેટ્સ પર દબાણ વધારવાની રણનીતિ
નિષ્ણાતો માને છે કે આ પગલું ડેમોક્રેટ્સ પર બજેટ અને સરહદ સુરક્ષાના મુદ્દે દબાણ લાવવાની ટ્રમ્પની જૂની રણનીતિનો એક ભાગ છે. જો એરપોર્ટ પર ICE એજન્ટો તૈનાત થાય, તો તેનાથી માત્ર સુરક્ષા જ નહીં પરંતુ ઇમિગ્રેશન તપાસમાં પણ ધરખમ ફેરફારો આવી શકે છે, જેની અસર આંતરરાષ્ટ્રીય મુસાફરો પર પડશે.
મુસાફરોમાં ચિંતાનો માહોલ
જો એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામાન્ય એજન્સીઓ (TSA) ના બદલે કડક ઇમિગ્રેશન એજન્ટોના હાથમાં જાય, તો પ્રક્રિયા વધુ જટિલ અને લાંબી બની શકે છે. ખાસ કરીને ભારતીયો સહિતના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે અમેરિકાના એરપોર્ટ પર ચેકિંગ વધુ સખત થવાની સંભાવના છે. હાલમાં વ્હાઇટ હાઉસ અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલી આ ખેંચતાણમાં એરપોર્ટ સેફ્ટી કયા વળાંક પર જશે, તેના પર સમગ્ર વિશ્વની નજર છે.

(3:58 PM IST)