<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

વૈશ્વિક તેલ બજારમાં 'બ્લેક આઉટ': હોર્મુઝ બાદ હવે રશિયાનું સૌથી મોટું બંદર યુક્રેનિયન ડ્રોન હુમલામાં ભસ્મીભૂત : ભારતનો તેલ પુરવઠો જોખમમાં!

દુનિયાનું ધ્યાન જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ પર હતું, ત્યારે યુક્રેને રશિયાના 'પ્રિમોર્સ્ક' તેલ ટર્મિનલ પર ૨૪૯ ડ્રોન વડે ભીષણ હુમલો કરી રશિયાની આર્થિક કરોડરજ્જુ તોડી નાખી : આ એ જ બંદર છે જ્યાંથી ભારતને મોટા પ્રમાણમાં 'યુરાલ્સ ક્રૂડ' મળે છે

મોસ્કો : વિશ્વ અત્યારે ઈતિહાસના સૌથી મોટા ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. એકતરફ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને દરરોજ ૨૦ મિલિયન બેરલ તેલનો માર્ગ રોકી દીધો છે, તો બીજી તરફ યુક્રેને રશિયાના બાલ્ટિક સમુદ્ર સ્થિત સૌથી મોટા તેલ નિકાસ બંદર 'પ્રિમોર્સ્ક' પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. રવિવારે મોડી રાત્રે થયેલા આ હુમલામાં યુક્રેને ૨૪૯ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી કેટલાકે તેલની વિશાળ ટાંકીઓને નિશાન બનાવતા ભીષણ આગ ફાટી નીકળી છે. પ્રિમોર્સ્ક બંદર દરરોજ ૧.૫ મિલિયન બેરલ તેલની પ્રક્રિયા કરે છે અને તે રશિયાની બાલ્ટિક પાઇપલાઇનનું અંતિમ બિંદુ છે. આ બંદર બંધ થવાથી રશિયન તેલ પર નિર્ભર ભારત જેવા દેશો માટે હવે 'ક્રૂડ' મેળવવું લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે.

આ હુમલાનો સમય (Timing) અત્યંત સૂચક છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, અને બરાબર એ જ સમયે રશિયાના તેલ પુરવઠા પર આ પ્રહાર થયો છે. નિષ્ણાતો માને છે કે આનાથી વૈશ્વિક બજારમાં તેલની ભારે અછત સર્જાશે. રશિયાનું પ્રિમોર્સ્ક અને નજીકનું ઉસ્ત-લુગા બંદર બંને હાલ કાર્યરત નથી, જેનો અર્થ છે કે દરરોજ લાખો બેરલ તેલ બજારમાંથી ગાયબ થઈ ગયું છે. સાઉદી અરેબિયાની કંપની અરામકો પણ હવે લાલ સમુદ્રના વૈકલ્પિક માર્ગો શોધવા મથામણ કરી રહી છે, પરંતુ ત્યાં પણ ઈરાની મિસાઈલોનો ખતરો મંડરાઈ રહ્યો છે. આમ, વિશ્વના બે સૌથી મોટા તેલના કેન્દ્રો (ચોકપોઈન્ટ્સ) અત્યારે યુદ્ધની આગમાં હોમાયા છે.

ભારત માટે આ સમાચાર ચિંતાજનક છે કારણ કે રશિયા અત્યારે ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર છે. પ્રિમોર્સ્ક બંદરથી નીકળતું તેલ સીધું ભારતીય રિફાઇનરીઓ સુધી પહોંચે છે, પરંતુ હવે આ સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. જો આ બંદરો લાંબો સમય બંધ રહેશે, તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે. ટ્રમ્પના અલ્ટીમેટમ અને ઈરાનની વળતી ધમકીઓ વચ્ચે રશિયા પરનો આ હુમલો 'બળતામાં ઘી' હોમવાનું કામ કરી રહ્યો છે.

(7:32 PM IST)