<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

તમિલનાડુમાં જામશે ચૂંટણી જંગ: NDAમાં બેઠકોની વહેંચણી ફાઈનલ; ભાજપ ૨૭ બેઠકો પર લડશે ચૂંટણી, સાથી પક્ષો વચ્ચે ખેલાયો સમજૂતીનો ખેલ

સ્ટાલિન સરકાર સામે ભાજપ અને AIADMKની જોડી મેદાને: પિયૂષ ગોયલની હાજરીમાં કરાર પર મહોર; 'સીએમ સ્ટાલિનથી જનતા કંટાળી ગઈ છે' - કેન્દ્રીય મંત્રીનો આકરો પ્રહાર

ચેન્નાઈ : દક્ષિણ ભારતના રાજકારણમાં અત્યંત મહત્વની ગણાતી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. લાંબા સમયની ખેંચતાણ અને દિલ્હીથી ચેન્નાઈ સુધીના મધ્યસ્થી પ્રયાસો બાદ સોમવારે AIADMK એ તેના સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણીની સત્તાવાર જાહેરાત કરી છે. આ સમજૂતી મુજબ, ભારતીય જનતા પાર્ટી (BJP) ૨૭ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.
કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ ખાસ આ અંતિમ તબક્કાની ચર્ચાઓ માટે ચેન્નાઈ પહોંચ્યા હતા. બેઠક બાદ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, "અમે એક પરિવારની જેમ ચૂંટણી લડીશું અને પ્રચંડ વિજય મેળવીશું. રાજ્યની જનતા વર્તમાન સ્ટાલિન સરકાર અને ઉદયનિધિ સ્ટાલિનના શાસનથી ત્રાહિમામ પોકારી ગઈ છે."
 
કોના ભાગે કેટલી બેઠકો આવી?
NDA ગઠબંધનમાં સામેલ મુખ્ય પક્ષો વચ્ચે બેઠકોનું ગણિત નીચે મુજબ ગોઠવવામાં આવ્યું છે:
•    ભાજપ (BJP): ૨૭ બેઠકો
•    પીએમકે (PMK): ૧૮ બેઠકો
•    એએમએમકે (AMMK - ટીટીવી દિનાકરણ): ૧૧ બેઠકો
જોકે, મુખ્ય પક્ષ AIADMK પોતે કેટલી બેઠકો પર લડશે તેની જાહેરાત હજુ બાકી રાખીને સસ્પેન્સ જાળવી રાખ્યું છે. શરૂઆતમાં ભાજપે ૫૦ થી વધુ બેઠકોની માંગણી કરી હતી, પરંતુ AIADMK ના મજબૂત વલણ બાદ અંતે ૨૭ બેઠકો પર સર્વસંમતિ સધાઈ છે. આ મડાગાંઠ ઉકેલવા માટે એડાપ્પડી કે. પલાનીસ્વામીએ તાજેતરમાં જ દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
 
સામે પક્ષે DMK અને કોંગ્રેસનું જોડાણ
બીજી તરફ, સત્તાધારી દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) પણ પોતાના ગઠબંધનને મજબૂત કરી રહ્યું છે.
•    કોંગ્રેસ: ૨૮ બેઠકો પર ચૂંટણી લડશે.
•    સીપીઆઈ (CPI): ૫ બેઠકો ફાળવવામાં આવી છે.
•    સીપીએમ અને ડીએમડીકે: અન્ય સાથી પક્ષો સાથે હજુ વાતચીત ચાલુ છે.
કોંગ્રેસે ચેન્નાઈ સહિત ૩૯ મહત્વની બેઠકોની યાદી DMK ને સોંપી છે, જેના કારણે ત્યાં પણ આંતરિક ચર્ચાઓનો દોર તેજ બન્યો છે. તમિલનાડુમાં આ વખતે 'સંસ્કૃતિ અને વિકાસ' ના મુદ્દે NDA અને DMK વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળે તેવા પૂરેપૂરા સંકેતો છે.

(7:44 PM IST)