<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

પુતિનનો 'મોદી કાર્ડ': અમેરિકા-ઈરાન યુદ્ધના વંટોળ વચ્ચે રશિયા કેમ પીએમ મોદીની આતુરતાથી જોઈ રહ્યું છે રાહ?

મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેડાયેલા ભીષણ જંગે જ્યારે વિશ્વને બે ભાગમાં વહેંચી દીધું છે, ત્યારે પુતિને શાંતિના મધ્યસ્થી તરીકે ભારત પર મીટ માંડીવ: વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવે પુષ્ટિ કરી છે કે રશિયા પીએમ મોદીના સ્વાગત માટે લાલ જાજમ બિછાવી રહ્યું છે

નવી દિલ્હી : વૈશ્વિક રાજનીતિમાં અત્યારે ભારે ઉથલપાથલ મચી છે. એકતરફ અમેરિકા અને ઇઝરાયલ ઈરાન પર તૂટી પડ્યા છે, તો બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી કાચા તેલના ભાવ $115ને પાર કરી ગયા છે. આ ઉર્જા સંકટ વચ્ચે રશિયા પીએમ મોદીની મોસ્કો મુલાકાતને અત્યંત મહત્વની ગણાવી રહ્યું છે. રશિયા જાણે છે કે ભારત એકમાત્ર એવો દેશ છે જેના સંબંધો ઇઝરાયલ, અમેરિકા, રશિયા અને ઈરાન - આ ચારેય વિરોધી ધ્રુવો સાથે મજબૂત છે. પુતિન ઈચ્છે છે કે ભારત બ્રિક્સ (BRICS) પ્લેટફોર્મ દ્વારા મધ્યસ્થી કરે, જેથી પશ્ચિમી દેશોના વધતા પ્રભુત્વને અટકાવી શકાય અને ઈરાન પર થઈ રહેલા હુમલાઓનો રાજદ્વારી ઉકેલ લાવી શકાય.

ભારતની 'મલ્ટી-એલાઈનમેન્ટ' એટલે કે સર્વમિત્રની નીતિ અત્યારે કસોટીની એરણે છે. પીએમ મોદીએ તાજેતરમાં જ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાતચીત કરીને ભારતીય જહાજોની સુરક્ષા અને શાંતિ માટે સંવાદની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બીજી તરફ, ફેબ્રુઆરીમાં તેમની ઇઝરાયલ મુલાકાતે સંરક્ષણ સંબંધોને નવી ઊંચાઈ આપી છે. રશિયા માટે ભારત માત્ર તેલનો મોટો ખરીદદાર નથી, પરંતુ એક એવો વ્યૂહાત્મક ભાગીદાર છે જે અમેરિકાના દબાણ છતાં રશિયા સાથે S-400 જેવી સંરક્ષણ સમજૂતીઓ જાળવી રાખવાની હિંમત ધરાવે છે. લવરોવના મતે, મોદીની આ મુલાકાત વૈશ્વિક સત્તાનું સંતુલન બદલી શકે છે.

આગામી દિવસોમાં પીએમ મોદીની રશિયા મુલાકાત માત્ર દ્વિપક્ષીય બેઠક નહીં, પરંતુ યુદ્ધ રોકવા માટેનો એક મોટો માસ્ટર પ્લાન સાબિત થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઈરાન સામે જે કડક વલણ અપનાવ્યું છે, તેનાથી રશિયા ચિંતિત છે અને તે ભારતને એક 'વૈશ્વિક સંતુલનકર્તા' તરીકે જુએ છે. જો મોદી રશિયા જાય છે, તો તે વિશ્વને સંદેશ આપશે કે ભારત કોઈ એક પક્ષનો નહીં પણ શાંતિનો પક્ષકાર છે. આ બેઠક પર આખું વિશ્વ નજર રાખી રહ્યું છે, કારણ કે આ મુલાકાતના પરિણામો નક્કી કરશે કે આગામી સમયમાં તેલના ભાવો અને વૈશ્વિક સુરક્ષાની દિશા કઈ તરફ જશે.

(7:57 PM IST)