News of Monday, 23rd March 2026
રાંધણ ગેસના સિલિન્ડરમાં ૧૪.૨ કિલોને બદલે ૧૦ કિલો ગેસ મળશે તેવી અફવાઓનું કેન્દ્ર સરકાર દ્વારા ખંડન : ગ્રાહકોને પૂરેપૂરો જથ્થો મળતો રહેશે
વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા નકલી સમાચારથી ગભરાટ ફેલાયા બાદ પેટ્રોલિયમ મંત્રાલયની સ્પષ્ટતા : નાગરિકોને ભ્રમિત ન થવા અને અફવાઓથી દૂર રહેવા અનુરોધ

નવી દિલ્હી:અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે વિશ્વભરમાં ઉર્જા સંકટ ઘેરું બન્યું છે, જેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. આ અનિશ્ચિતતાના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર રાંધણ ગેસ (LPG) ના સિલિન્ડરને લઈને અનેક અફવાઓ વહેતી થઈ છે. ખાસ કરીને ૧૪.૨ કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરમાં હવે માત્ર ૧૦ કિલોગ્રામ ગેસ જ આપવામાં આવશે તેવા સમાચાર વાયરલ થતા સામાન્ય જનતામાં ભારે ફાળ પડી હતી. જોકે, કેન્દ્ર સરકારે આજે આ મામલે સત્તાવાર નિવેદન જારી કરીને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.
પેટ્રોલિયમ મંત્રાલયે સોમવાર, ૨૩ માર્ચના રોજ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરમાં ગેસનો જથ્થો ઘટાડીને ૧૦ કિલો કરવામાં આવ્યો હોવાની વાતો તદ્દન પાયાવિહોણી અને માત્ર અફવા છે. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગેસના જથ્થામાં આવો કોઈ જ ઘટાડો કરવામાં આવ્યો નથી અને ભવિષ્યમાં પણ ગ્રાહકોને નિર્ધારિત ૧૪.૨ કિલોગ્રામનો પૂરેપૂરો ભરેલો સિલિન્ડર મળતો રહેશે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર સ્પષ્ટીકરણમાં જણાવાયું છે કે, "સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાવવામાં આવતી આવી કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો. નાગરિકોને વિનંતી છે કે તેઓ અસત્ય સમાચારોથી ગેરમાર્ગે ન દોરાય." પેટ્રોલિયમ મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે વૈશ્વિક સ્તરે યુદ્ધની જે પરિસ્થિતિ છે તેના કારણે ઉર્જા ક્ષેત્રે પડકારો જરૂર છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ઘરેલું ગેસના જથ્થામાં કોઈ કાપ મુકવામાં આવ્યો છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી વોટ્સએપ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર ખોટા સમાચારો ફેલાવવામાં આવી રહ્યા હતા કે વધતા ભાવો અને અછતને પહોંચી વળવા સરકાર સિલિન્ડરનું વજન ઘટાડી રહી છે. આ અફવાઓને કારણે ગેસ એજન્સીઓ પર પૂછપરછમાં વધારો થયો હતો. હવે સરકારના સીધા હસ્તક્ષેપ અને સ્પષ્ટતા બાદ ગ્રાહકોમાં રાહત જોવા મળી રહી છે. સત્તાવાળાઓએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત વિના કોઈ પણ માહિતી પર ટિપ્પણી ન કરવી અને પક્ષપાતી સમાચાર ફેલાવવાથી બચવું. મંત્રાલયે ખાતરી આપી છે કે દેશમાં રાંધણ ગેસનો પુરવઠો સાતત્યપૂર્ણ રીતે જળવાઈ રહેશે અને વિતરણ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
