<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

સરકારના કાયદાકીય ખર્ચમાં મોટો ઉછાળો: કેન્દ્રના કુલ કેસોમાં ૨૭% હિસ્સો માત્ર નાણા મંત્રાલયનો; હાઈકોર્ટમાં ASG ના અડધા પદો ખાલી હોવાનો સંસદીય સમિતિનો ધડાકો

કાયદા મંત્રાલયના બજેટમાં ₹૨,૩૦૦ કરોડની અછત: છેલ્લા ૧૦ વર્ષમાં મુકદ્દમા પાછળ ₹૬૧૯ કરોડનો ધુમાડો; રેલ્વે અને સંરક્ષણ મંત્રાલય પણ કાનૂની વિવાદોમાં મોખરે - પેન્ડિંગ કેસોનો આંકડો ૭ લાખને પાર

નવી દિલ્હી: કેન્દ્રીય કાયદા મંત્રાલયના વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટની તપાસ કરી રહેલી સંસદીય સ્થાયી સમિતિએ તાજેતરમાં તેનો ૧૬૪મો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં દેશની કાયદાકીય વ્યવસ્થા અને સરકાર પર વધી રહેલા મુકદ્દમાના બોજ અંગે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. સમિતિએ નોંધ્યું છે કે સરકાર મુકદ્દમા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે, તેમ છતાં વ્યવસ્થામાં મોટા સ્તર પર ખાલી જગ્યાઓ અને ભંડોળની અછત જોવા મળી રહી છે.
કપિલ સિબ્બલ અને વિવેક તંખા જેવા દિગ્ગજ વકીલોના સમાવેશ વાળી આ પેનલે સરકારને બિનજરૂરી અપીલો ઘટાડવા અને આંતરિક સમીક્ષા કરવા કડક સૂચન કર્યું છે.
 
આંકડાની નજરે: ક્યાં કેટલો બોજ?
અહેવાલ મુજબ, ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં વિવિધ મંત્રાલયોના કુલ ૭,૧૪,૪૧૧ કેસ કોર્ટ અને ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે:
•    નાણા મંત્રાલય: સૌથી વધુ ૧,૯૪,૬૦૩ કેસ (કુલ કેસના ૨૭%).
•    રેલ્વે મંત્રાલય: ૧,૧૧,૯૬૨ કેસ (કુલ કેસના ૧૫%).
•    ખર્ચ: સરકારે છેલ્લા દાયકામાં મુકદ્દમા પાછળ ₹૬૧૯.૬૫ કરોડ ખર્ચ્યા છે, જેમાં ૨૦૨૫-૨૬ ના માત્ર ૯ મહિનામાં જ ₹૭૪ કરોડનો ખર્ચ થયો છે.
 
પદ ખાલી, કામનો ભાર વધુ
તપાસમાં સામે આવ્યું છે કે કાયદાકીય વ્યવસ્થાના મજબૂત સ્તંભ ગણાતા પદો પર મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ છે:
•    ASG પદો: હાઈકોર્ટ માટે મંજૂર ૨૫ 'વધારાના સોલિસિટર જનરલ' (ASG) માંથી ૧૨ જગ્યાઓ ખાલી પડી છે.
•    ILS અધિકારીઓ: ભારતીય કાનૂની સેવાના ૧૨૫ મંજૂર પદો સામે માત્ર ૫૫ અધિકારીઓ કાર્યરત છે, એટલે કે ૭૦ પદ ખાલી છે.
•    લો કમિશન: ભારતના કાયદા પંચમાં ૧૧ ની સામે માત્ર ૨ જ અધિકારીઓ છે.
 
બજેટમાં કાપ અને માળખાગત પડકારો
કાયદા મંત્રાલયે ₹૭,૦૨૬ કરોડની જરૂરિયાત સામે માત્ર ₹૪,૭૦૯ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે અંદાજિત જરૂરિયાત કરતા ૩૩% ઓછી છે. આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT) ના દિલ્હી, કોલકાતા અને અમદાવાદ જેવા શહેરોમાં ચાલી રહેલા માળખાગત પ્રોજેક્ટ્સ પર પણ ભંડોળની અછતની અસર પડી શકે છે.
સમિતિએ ભલામણ કરી છે કે મંત્રાલયોએ આંતર-વિભાગીય સંકલન સુધારવું જોઈએ જેથી નાની બાબતોમાં કોર્ટ સુધી પહોંચવાની જરૂર ન પડે અને સરકારી તિજોરી પર પડતો આ વધારાનો બોજ ઓછો કરી શકાય.

(9:16 PM IST)