<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ઓપ્ટોમેટ્રીસ્ટ્સની આઝાદીની લડાઈમાં નવો વળાંક: સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર કાઉન્સિલની અરજી પર સુનાવણીનો કર્યો ઇનકાર; કહ્યું- 'આ ભારત છે, તાંઝાનિયા કે ટેક્સાસના ઉદાહરણો અહીં નહીં ચાલે'

દિલ્હી ઓપ્ટોમેટ્રીસ્ટ એસોસિએશનને હાઈકોર્ટ જવા સુપ્રીમનું સૂચન; ૨૦૨૧ના હેલ્થકેર એક્ટ હેઠળના વર્ગીકરણને પડકારતી અરજી પાછી ખેંચાઈ - વ્યવસાયના અસ્તિત્વ અને આંતરરાષ્ટ્રીય ધોરણો પર જામ્યો કાનૂની જંગ

નવી દિલ્હી : દેશમાં ઓપ્ટોમેટ્રીના વ્યવસાયને એક સ્વતંત્ર ઓળખ અપાવવા માટે ચાલી રહેલી કાનૂની લડાઈમાં સુપ્રીમ કોર્ટે મહત્વનું વલણ અપનાવ્યું છે. દિલ્હી ઓપ્ટોમેટ્રીસ્ટ એસોસિએશન (DOA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વિચાર કરવાનો સુપ્રીમ કોર્ટે સોમવારે ઇનકાર કરી દીધો છે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ મુદ્દા પર પહેલા હાઈકોર્ટે વિચાર કરવો જોઈએ. 'નેશનલ કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશનલ્સ' (NCAHP) એક્ટ હેઠળ ઓપ્ટોમેટ્રીને સ્વતંત્ર ગણવાને બદલે અન્ય શ્રેણીમાં રાખવા સામે એસોસિએશને વાંધો ઉઠાવ્યો હતો.
અરજદારોના મતે, હાલનું વર્ગીકરણ અતાર્કિક અને ગેરબંધારણીય છે, જે આ વ્યવસાયના અસ્તિત્વને જોખમમાં મૂકે છે.
 
વિદેશી ઉદાહરણો પર સુપ્રીમ કોર્ટની ટકોર
સુનાવણી દરમિયાન એસોસિએશન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મીનાક્ષી અરોરાએ દલીલ કરી હતી કે તાંઝાનિયા, ટેક્સાસ અને સિંગાપોર જેવા દેશોમાં ઓપ્ટોમેટ્રીને એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે માન્યતા આપવામાં આવી છે. જોકે, જસ્ટિસ દત્તાએ આ દલીલને ફગાવતા અત્યંત રસપ્રદ અવલોકન કર્યું:
•    અનોખો દેશ: "આપણો દેશ અનોખો છે અને આપણી સમસ્યાઓ પણ વૈવિધ્યસભર છે. તાંઝાનિયા કે ટેક્સાસમાં શું થાય છે તે ભારતમાં પરીક્ષણનું માપદંડ ન હોઈ શકે."
•    ધારાસભ્યો પર વિશ્વાસ: "આપણે આપણા ધારાસભ્યો પર વિશ્વાસ રાખવો જોઈએ. જો તેમની નીતિ બંધારણની વિરુદ્ધ હશે, તો હાઈકોર્ટ તેનો ન્યાય કરવા માટે બેઠી જ છે."
 
શું છે ઓપ્ટોમેટ્રીસ્ટ્સની મુખ્ય માંગ?
એસોસિએશનની દલીલ છે કે ઓપ્ટોમેટ્રી એ 'પ્રાથમિક આરોગ્યસંભાળ'નો સ્વતંત્ર ભાગ છે, પરંતુ ૨૦૨૧ના નવા કાયદા હેઠળ તેને "ઓપ્થેલ્મિક સાયન્સ પ્રોફેશનલ કાઉન્સિલ" હેઠળ આવરી લેવામાં આવી છે.
૧. નબળી ઓળખ: આ વર્ગીકરણથી ઓપ્ટોમેટ્રીની સ્વતંત્રતા નબળી પડે છે.
૨. દેશવ્યાપી ચિંતા: મીનાક્ષી અરોરાએ જણાવ્યું કે દેશભરના ઓપ્ટોમેટ્રીસ્ટ્સ આ જોગવાઈથી ચિંતિત છે અને અનેક રાજ્યોમાં આવી અરજીઓ દાખલ થઈ છે.
 
હવે દિલ્હી હાઈકોર્ટમાં થશે ન્યાય
જ્યારે જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માએ પૂછ્યું કે, "દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કરવામાં શું વાંધો છે? ત્યાં શ્રેષ્ઠ ન્યાયાધીશો છે," ત્યારે એસોસિએશને પોતાની અરજી સુપ્રીમ કોર્ટમાંથી પાછી ખેંચી લીધી હતી. હવે આ સંગઠન દિલ્હી હાઈકોર્ટમાં નવેસરથી પોતાની માંગણી રજૂ કરશે. આ કાનૂની પ્રક્રિયા બાદ જ નક્કી થશે કે ભારતમાં ચક્ષુ ચિકિત્સા ક્ષેત્રે ઓપ્ટોમેટ્રીને સ્વતંત્ર દરજ્જો મળશે કે કેમ.

(9:25 PM IST)